અમદાવાદમાં આગામી 27 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાવાની છે. આ પહેલા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે રથયાત્રા પહેલા શહેરમાં અસામાજિક તત્વો સામે એક્શન શરૂ કરી પાસા અને તડીપાર હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે હવે ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાંચે લોરેન્સ બિશ્નોઈ ગેંગના મનોજ શંકરલાલ સાલ્વીની ઉદયપુરથી ધરપકડ કરી છે.
રથયાત્રા પહેલા ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા
અમદાવાદમાં યોજાનારી રથયાત્રા પહેલા ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે લોરેન્સ બિશ્નોઈ ગેંગના મનોજ શંકરલાલ સાલ્વીની રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરી છે. વર્ષ 2022માં શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં એક વ્યક્તિને હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ હથિયાર તેને મનોજ સાલ્વીએ આપ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. ATSના આર્મ્સ એક્ટ કેસમાં મનોજ સાલ્વી ફરાર હતો. તેનું કામ હથિયારો ડિલિવર કરવાનું હતું. તે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર મળતી સૂચના મુજબ હથિયારોની ડિલિવરી કરતો હતો.
મનોજ સાલ્વી સામે વિવિધ રાજ્યોમાં 11 જેટલા ગુનાઓ
આરોપી મનોજ સાલ્વી સામે વિવિધ રાજ્યોમાં 11 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તેની સામે ગુજરાત અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુના નોંધાયેલા છે.આરોપી મનોજ સાલ્વી સુખદેવસિંહ ગોગામેડી કેસમાં પણ જેલમાં જઈ આવેલો છે. ગોગામેડી કેસના મુખ્ય આરોપી રોહિતને આરોપી મનોજે શરણ આપી હતી. ગોગામેડી કેસમાં મનોજ સાલ્વી જામીન પર મુક્ત છે.આરોપી મનોજ સાલ્વીની વોટ્સએપ ચેટની પણ તપાસ ચાલી રહી છે. એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આર્મ્સ એક્ટના ગુનામાં ક્રાઇમબ્રાન્ચે તેની ધરપકડ કરી છે.