અમદાવાદમાં પહેલા વરસાદે જ પ્રજાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ તબાહીનું તાંડવ મચાવ્યું છે. જ્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો છે. જો કે સામાન્ય વરસાદમાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરમાં પહેલા વરસાદમાં જ ચાણક્યાપુરીનું ગરનાળું પાણીમાં ગરકાવ થયું છે. ગરનાળામાં પાણી ભરાતા છતાં વાહનચાલકો જરૂરી કામો હોવાના કારણે પાણીમાંથી પસાર થવા મજબૂર.
દર વર્ષે ચોમાસામાં ગરનાળાની આવી જ હાલત
આ વિસ્તારના સ્થાનિકો દ્વારા આ બાબતે ફરિયાદ કરવામાં આવી કે દર વર્ષે ચોમાસામાં આ ગરનાળામાં પાણી ભરાય છે. છતાં પણ વહીવટીતંત્ર દ્વારા ગરનાળામાં ભરાતા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. જો પહેલા વરસાદે આવી સ્થિતિ છે તો ધોધમાર વરસાદમાં કેવી હાલત થશે. કેટલાક લોકો અન્ય માર્ગનો વિકલ્પ વિચારી શકે છે. પરંતુ મહત્વના કામો માટે કેટલીક વખત આ જ માર્ગ પરથી ફરજીયાતપણે જવું પડતું હોય છે. સ્થાનિકોએ સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભારત વિકાસમાં અગ્રેસર અને ગુજરાત વિકાસનું મોડલ તેવી ફક્ત વાતો થઈ રહી છે. વાસ્તવિકતા જુદી જ છે. તંત્ર રોડ, રસ્તા અને મકાનની લોકોની પ્રાથમિક જરૂરિયાત પર ધ્યાન આપે.
વરસાદને લઈને પાલિકાનો એકશન પ્લાન
શહેરમાં નાગરિકોની સમસ્યા દૂર કરવા અમદાવાદ મહાનગર પાલિકાએ આ વખતે ચોમાસાને લઈને એકશન પ્લાન બનાવ્યો છે. જે અંતર્ગત આ વખતે ભારતીય હવામાન વિભાગ દ્વારા સતત સંકલન રાખી કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ એક સોફ્ટવેર ડેવલપ કરવામાં આવ્યું છે જેના માધ્યમથી એ ખ્યાલ આવે છે કે ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ વરસી રહ્યો છે. આ જાણકારીના આધારે ત્યાંના સ્થાનિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવાના પ્રયાસ કરાશે.
હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
રાજ્યમાં આજે હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ મુજબ આજે 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે. સુરત, નવસારી, વલસાડ, જૂનાગઢ, ગીરસોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે તાપી ,બનાસકાંઠા ,સાબરકાંઠા, પોરબંદર,અમરેલી,રાજકોટમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. અને કચ્છ,જામનગર,મોરબી,પાટણમાં હળવા વરસાદની આગાહી કરવામા આવી છે. ચોમાસામાં અત્યારસુધી 584 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી. જ્યારે ભારે વરસાદના કારણે 120 લોકોનું રેસક્યૂ કરવામાં આવ્યું છે.