કોઈ પણ અકસ્માત કે દુર્ઘટના પછી સૌથી પહેલી જરૂરિયાત હોય છે, ઘાયલોના બચાવ અને તેમને સમયસર સારવાર મળે તે. તા.૧૨મી જૂનના એ ગોઝારા દિવસે અમદાવાદથી એરઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ-૧૭૧એ ટેક ઑફ કર્યાં બાદ તુરંત જ ક્રેશ થઈ. ત્યાર બાદ માત્ર ત્રણ જ મિનિટમાં ૧૦૮ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવની કામગીરી શરૂ કરી દીધી હતી.
સતિંદરસિંઘ સંધૂ, સુપરવાઈઝર-૧૦૮
ત્યારે દુર્ઘટના સમયે સૌથી પહેલાં બચાવ માટે પહોંચેલી ૧૦૮ની ટીમના સભ્યો તેમને થયેલા જાત અનુભવ, એ વખતની તેમની મનોસ્થિતિ અને નજરે જોયેલા દૃશ્યો વિશે શું કહે છે? ‘મેં મોઢામાં કોળિયો મૂક્યો જ હતો અને ધડાકો સંભયાયો, એટલે હું હાજર હતી એટલી તમામ ૧૦૮-એમ્બ્યુલન્સ સાથે રેસિડેન્ટ ડૉક્ટર હોસ્ટેલ પહોંચી ગયો’: સતિંદરસિંઘ સંધૂ, સુપરવાઈઝર-૧૦૮
મોઢામાં પહેલો કોળિયો મૂક્યો જ હતો ત્યાં એક મોટો ધડાકો સંભળાયો
‘લગભગ બપોરે ૧:૪૦નો સમય થયો હશે. હજી તો મેં મોઢામાં પહેલો કોળિયો મૂક્યો જ હતો, ત્યાં એક મોટો ધડાકો સંભળાયો. તુરંત હું દોડતો બહાર ગયો અને જોયું, તો હોસ્પિટલ મેસ તરફ ધુમાડાના ગોટેગોટા ઊડતાં જોયા. મને ખ્યાલ આવી ગયો કે કંઈક તો મોટું બન્યું છે. મેં તરત ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં હાજર તમામ ૧૦૮ એમ્બ્યુલન્સને જે તરફ ધુમાડો દેખાતો હતો, ત્યાં પહોંચી જવા કહ્યું. અને રસ્તામાંથી જ મેં અમારા પ્રોગ્રામ મેનેજર જિતેન્દ્ર શાહીને ફોન કર્યો કે કોઈ મોટી ઘટના બની છે, કદાચ પ્લેન ક્રેશ હોઈ શકે છે.’
૧૦૮-એમ્બ્યુલન્સને ઘોડા કેમ્પ મોકલી દીધી’- જિતેન્દ્ર શાહી, પ્રોગ્રામ મેનેજર
આ શબ્દો છે, અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ સૌ પ્રથમ રિસ્પોન્સ આપનાર ૧૦૮ના સુપરવાઈઝર શ્રી સતિંદરસિંઘ સંધુના. તેઓ વર્ષોથી જીવીકે-ઈએમઆરઆઈ સાથે જોડાયેલા છે અને પરિસ્થિતિની ગંભીરતા પારખીને તરત જ વધારાની ૧૦૮-મોકલવા કંટ્રોલ રૂમને જાણ કરી, જેના કારણે માત્ર ત્રણ જ મિનિટમાં બચાવ માટે મદદ પહોંચી ગઈ. સુપરવાઇઝર સંધૂનો મને ફોન આવ્યો કે તરત નજીકના સ્પોટ પરની પચ્ચીસ જેટલી ૧૦૮-એમ્બ્યુલન્સને ઘોડા કેમ્પ મોકલી દીધી’- જિતેન્દ્ર શાહી, પ્રોગ્રામ મેનેજર
દસ વધુ ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી
આ અંગે ૧૦૮ના પ્રોગ્રામ ઓફિસર જિતેન્દ્ર શાહીએ જણાવ્યું કે, ‘લગભગ બપોરના ૧:૪૦નો સમય થયો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ડિપ્લોય્ડ અમારા ઈએમઈ સતિંદરસિંઘ સંધુનો મારા પર ફોન આવ્યો કે અહીં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ છે, કદાચ પ્લેન ક્રેશ હોઈ શકે છે. આટલું સાંભળતાં જ મેં નજીકના સ્પોટ પરથી તમામ ૧૦૮-એમ્બ્યુલન્સને તરત ઘોડા કેમ્પ પહોંચી જવા મેસેજ મોકલી દીધો અને ગણતરીની મિનિટોમાં જ પચ્ચીસ ૧૦૮ ત્યાં પહોંચી ગઈ અને ત્યાર બાદ દસ વધુ ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
દરવાજામાંથી કોઈ વ્યક્તિ દોડતી બહાર આવી રહી હતી
‘એ વખતે મને ખબર નહોતી કે હું જેનો હાથ પકડીને એમ્બ્યુલન્સમાં લઈ જઈ રહ્યો છું, તે વિમાન દુર્ઘટનાનો એક માત્ર સર્વાઇવર વિશ્વાસ કુમાર છે’ -ચિરાગ સંતોકી, એચબીસી ૧૦૮ ઈમરજન્સી સર્વિસીસના સતિંદરસિંઘ સંધૂની સાથે સૌ પ્રથમ પહોંચી જનાર ટીમોમાંથી એક ટીમ હતી, ચિરાગ સંતોકી, ઈએમટી ચિંતન વણકર અને પાયલોટ ધર્મેન્દ્ર પટેલની.ધડાકો થતાં જ ભોજન છોડીને સીધા જ ઘટનાસ્થળે પહોંચેલા સંધૂએ ત્યાંથી સૌ પહેલાં ઘાયલ થયેલા રેસિડેન્ટ ડૉક્ટર હોસ્ટેલના સિક્યૉરિટી ગાર્ડને ૧૦૮માં બેસાડીને સિવિલ મોકલી આપ્યો હતો. ત્યારે હોસ્ટેલના દરવાજામાંથી કોઈ વ્યક્તિ દોડતી બહાર આવી રહી હતી. સતિંદરસિંઘે પોતાની સાથે રહેલાં એચબીસી ચિરાગ સંતોકીને આ વ્યક્તિને લઈ જવા કહ્યું.
‘ઓપરેશન શિલ્ડ વખતે અમને અપાયેલી તાલીમ કામ આવી’: ચિંતન વણકર, ઈએમટી
આ અંગે ચિરાગ સંતોકીએ કહ્યું કે, ‘દુર્ઘટનાથી હતપ્રભ બનેલો એ વ્યક્તિ તેની સાથે પણ બીજા લોકો છે એવું સતત બબડતો હતો. મેં તેને સાંત્વના આપી, ધીરજ રાખવા કહ્યું અને તેને ૧૦૮માં બેસાડીને તુરંત હોસ્પિટલ મોકલી આપ્યો.’‘મોડેથી મારા અધિકારીઓ અને મિત્રોએ મને જણાવ્યું કે મેં જેને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો તે જ વ્યક્તિ દુર્ઘટનાનો એક માત્ર સર્વાઇવર હતો.
મેં મારા મન પર કાબૂ મેળવી લીધો અને વિચાર્યું કે આ જ આપણી ખરી કસોટી છે
અમદાવાદ વિમાન દુર્ઘટનાના એક માત્ર સર્વાઇવર વિશ્વાસ કુમારને ૧૦૮માં હોસ્પિટલ પહોંચાડનાર ટીમ માટે પણ આટલી મોટી દુર્ઘટનામાં કામગીરી કરવાનો અનુભવ લગભગ સૌથી પહેલો જ હતો. જેથી તેમના માટે પણ ગભરાવું અને હચમચી જવું સ્વાભાવિક હતું. પરંતુ ૧૦૮ની ટીમને આ અંગે પૂરતી તાલીમ આપવામાં આવતી હોય છે. જેના કારણે અનેક ઘાયલોને શાંત કરવાથી માંડીને તેમને સાંત્વના આપવામાં સહાયતા મળી રહી. આ અંગે ૧૦૮-એમ્બ્યુલન્સના ઈએમટી ચિંતન વણકરે જણાવ્યું કે ‘આટલી મોટી દુર્ઘટના જોઈને સૌ પ્રથમ તો હું પણ સ્તબ્ધ થઈ ગયો હતો. થોડો ગભરાટ પણ થયો, પરંતુ તરત જ મેં મારા મન પર કાબૂ મેળવી લીધો અને વિચાર્યું કે આ જ આપણી ખરી કસોટી છે.’
ઓપરેશન શિલ્ડ વખતે અમે શાહીબાગ વિસ્તારમાં જ આની તાલીમ પણ લીધી હતી
અમને ૧૦૮ સેવામાં જોડાતાં પહેલાં દર્દીને શાંત કરવા અને તેને માનસિક રીતે રાહત આપવા કાઉન્સેલિંગની તાલીમ પણ આપવામાં આવે છે. એટલું જ નહીં, ગયા મહિને ઓપરેશન શિલ્ડ વખતે અમે શાહીબાગ વિસ્તારમાં જ આની તાલીમ પણ લીધી હતી. જે અનુભવ પણ તાજો જ હતો. એટલે મેં વિશ્વાસ કુમારને શાંત પાડ્યો અને તુરંત હોસ્પિટલે લાવીને તેની સારવાર શરૂ કરાવી. ત્યાર બાદ અમે સીધા જ બીજા ઘાયલોની મદદ માટે ફરીથી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.













