અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રથયાત્રાની ઉજવણીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એકશનમાં આવ્યું છે. ઓપરેશન સિંદૂર બાદ આતંકી હુમલાઓની આશંકા પગલે પોલીસ દ્વારા રથયાત્રાની ઉજવણીને લઈને સઘન બંદોબસ્ત કરવામાં આવ્યો છે. હાલમાં રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે રથયાત્રાના રૂટ પર આવતા મકાનોની સ્થિતિને લઈને AMC દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી છે.


રથયાત્રાને લઈને AMC એકશનમાં

ત્યારે AMC પણ અગાઉની જેમ મકાન ધરાશાયી થવાની ઘટના ના બને તેની તકેદારી રાખતા રથયાત્રાના રુટ પર આવતા જર્જરિત મકાનો ઉતારવાની શરુઆત કરી છે. AMC એ આ કામગીરીના ભાગરૂપે રંગાટી બજારમાં મકાનનો કેટલોક હિસ્સો તોડી પાડ્યો છે. જ્યારે મધ્યઝોનમાં 513 ભયજનક મકાનોને નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત 190 ભયજનક મકાનના પાણી અને ગટર કનેક્શન કાપવામાં આવ્યા છે.

અગાઉ રથયાત્રામાં થઈ હતી દુર્ઘટના

શહેરમાં અગાઉ ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન પોળ વિસ્તારમાં મકાન ધરાશાયી ઘટના બનવા પામી હતી. બે વર્ષ અગાઉ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી હતી ત્યારે દરિયાપુર જેવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં મકાનની ગેલરીનો ભાગ તૂટયો હતો. આ અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત અને 37 લોકો ઘાયલ થયા હતા. જણાવી દઈકે જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરથી શહેરના કોટ વિસ્તાર એવા દરિયાપુર અને સરસપુર જેવા વિસ્તારોમાં રથયાત્રાની શોભાયાત્રા નીકળે છે. આ શોભાયાત્રામાં વિવિધ પ્રદર્શનો સાથે શ્રદ્ધાળુઓ પણ જોડાતા હોય છે. આ વર્ષે રથયાત્રાની ઉજવણીમાં રંગમાં ભંગ ના પડે માટે પોલીસ શંકાસ્પદ સ્થાનો પર બાજ નજર રાખી રહી છે. 

રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે

જણાવી દઈએ કે ગઈકાલે રથયાત્રાને લઈને એક મેસેજ વાયરલ થયો હતો. જે મુજબ પ્લેન ક્રેશ દુર્ઘટના કારણે સંભવત રથયાત્રાની ઉજવણી રદ કરવામાં આવી શકે. જો કે આ મેસેજ ફેક હોવાનું રદિયો આપતા પરંપરાગત મુજબ આ વર્ષે પણ રથયાત્રા વિધિવત રીતે શહેરમાં રથયાત્રા યોજાશે તેમ જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું.  આ વર્ષે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે. આ વર્ષની રથયાત્રામાં વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાશે.

  • Follow us on: