નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે 12 જૂનના રોજ થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસમાં કોઈ છેડછાડ થઈ નથી. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) આ ઘટનાની તપાસ કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે AAIBની તપાસ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.


AAIBના અંતિમ તપાસ અહેવાલની રાહ જોવી પડશે

મંગળવારે કેન્દ્રીય મંત્રી નાયડુએ જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ખરેખર શું થયું તે જાણવા માટે દરેકને AAIBના અંતિમ તપાસ અહેવાલની રાહ જોવી પડશે. તેમણે કહ્યું, "તપાસમાં કોઈ છેડછાડ કે કોઈ ગેરરીતિ થઈ નથી. તે ખૂબ જ સ્વચ્છ અને સંપૂર્ણ પ્રક્રિયા છે, જે અમે નિયમો અનુસાર કરી રહ્યા છીએ."

અંતિમ અહેવાલ પર ખૂબ જ પારદર્શક અને સ્વતંત્ર અભ્યાસ

તેમણે ઉમેર્યું, "અંતિમ અહેવાલમાં થોડો સમય લાગશે. AIB અંતિમ અહેવાલ પર ખૂબ જ પારદર્શક અને સ્વતંત્ર અભ્યાસ કરી રહ્યું છે. અમે તેમના પર ઉતાવળમાં અહેવાલ તૈયાર કરવા માટે દબાણ કરવા માંગતા નથી, તેથી તેઓ જરૂરી સમય લેશે."

સમસ્યાનું મૂળ કારણ શોધવાનો પ્રયાસ

ટેકનિકલ ચેતવણીને પગલે શનિવારે રોજ અમૃતસરથી બર્મિંગહામ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI117 માં રામ એર ટર્બાઇન (RAT) તૈનાત કરવામાં આવ્યું હતું. ઇલેક્ટ્રિકલ અથવા હાઇડ્રોલિક સિસ્ટમમાં કટોકટી થાય ત્યારે RAT (રામ એર ટર્બાઇન) વિમાનમાં આપમેળે સક્રિય થાય છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, "જ્યારે પણ આવી ઘટનાઓ બને છે, ત્યારે અમે સમસ્યાનું મૂળ કારણ શોધવાનો પ્રયાસ કરીએ છીએ. એકવાર અમે મૂળ કારણ સમજી લઈએ, પછી અમે હિસ્સેદારો, OEM અને સંબંધિત તમામ લોકોનો સંપર્ક કરીશું. અમે આ અંગે સંપૂર્ણ અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. DGCA સમસ્યાના કારણની તપાસ કરી રહ્યું છે."

  • Follow us on: