12 જૂન 2025ના રોજ બપોરે લગભગ 1.40 કલાકે અમદાવાદમાં વિમાન દુર્ઘટનાને કારણે તાત્કાલિક અને વ્યાપક ઇમરજન્સી રિસ્પોન્સની આવશ્યકતા ઊભી થઈ હતી. ત્યારે આ ઘટનામાં 108 સેવાની કામગીરી સહરાનીય નિવડી હતી. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 108 અંગેની પ્રશંસનીય કામગીરી અંગે વાત કરતા 108 જીવીકે ઈએમઆરઆઈના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશંવત પ્રજાપતિએ કહ્યું કે, વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું એ સ્થળ 108 સુપરવાઇઝરી સ્ટાફ ઑફિસથી ખૂબ નજીક હતું.


3 મિનિટમાં પ્રથમ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી

ઍરક્રાફ્ટ ક્રૅશનો અવાજ સાંભળીને 108ના એક સુપરવાઇઝર સતિન્દર સંધુએ તાત્કાલિક 108 ઇએમએસ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને ફોન કરીને ઘટના અનુરૂપ પ્રોટોકોલ મુજબ અન્ય સ્થાનિક બચાવ સંસ્થાઓ જેમ કે પોલીસ, ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વગેરેને સમાંતરે જાણ કરવામાં આવી હતી. અને તેઓ ઘટના સ્થળે દોડી ગયા અને વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા અને જીવંત મુસાફરો પૈકીના વિશ્વાસ કુમારને બચાવ્યા અને દર્દીને 108 ઇએમએસ એમ્બ્યુલન્સમાં ખસેડ્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે, વિમાન દુર્ઘટના અંગે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને આશરે 25થી વધુ કૉલ મળ્યા હતા. બપોરે 1.41 કલાકે પહેલો કૉલ મળતાં જ 4 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી અને એલર્ટ થયાના 3 મિનિટમાં પ્રથમ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર વિભાગને પણ ઘટના વિશે જાણ કરવામાં આવી હતી.

બચાવ કામગીરીમાં કરી મદદ

જશંવત પ્રજાપતિએ કહ્યું કે, ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર તરફથી તમામ સંબંધિત અધિકારીઓને મલ્ટિકૉઝેલિટી ઇન્સિડેન્ટ મેસેજ મોકલવામાં આવ્યો હતો. એટલું જ નહી બચાવ કામગીરીમાં મદદ અને દર્દીને હોસ્પિટલ લઈ જવા માટે આવેલા પહેલા ઇન્સિડેન્ટ કૉલની 10 મિનિટમાં જ 31 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાની સૂચના મળ્યા બાદ કુલ 35 એમ્બ્યુલન્સ કામગીરીમાં જોડાઈ હતી અને હજુ પણ આ કામગીરી ચાલુ છે. કામગીરી દરમિયાન કુલ 176 પીડિતોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 18 લોકો જીવતા હતા. હાલમાં 25 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે તબીબી સહાય અને પીડિતોને હોસ્પિટલમાં ખસેડવા અને આગળની કાર્યવાહી માટે તૈનાત છે.

80 લોકોની ટીમ કામગીરીમાં જોડાઈ

108 ઇએમએસની કુલ 80 લોકોની ટીમ ઘટના સ્થળે સક્રિય રીતે કામગીરીમાં જોડાઈ હતી. જેમાં સુપરવાઇઝરી અને સપોર્ટ ટીમનો પણ સમાવેશ થાય છે. સુચારુ સંચાલન માટે ફાયર, પોલીસ, હોસ્પિટલ ટીમ અને અધિકારીઓ સાથે અસરકારક સંકલન કરવામાં આવ્યું હતું. ઇમરજન્સી રિસ્પોન્સ ઓપરેશન માટે એમ્બ્યુલન્સ ટીમને મદદ કરવા માટે સમગ્ર ઘટના દરમિયાન ઓપરેશન હેડ અને ફીલ્ડ સુપરવાઇઝર સ્થળ પર ખડેપગે હાજર રહ્યા હતા. એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. અમદાવાદ વિમાન દુર્ઘટના એક દુ:ખદ ઘટના હતી, પરંતુ અમારી ઇમરજન્સી સેવાઓની ટીમે અસાધારણ પ્રતિભાવ, સંકલન અને પ્રતિબદ્ધતા દર્શાવી હતી. એમ્બ્યુલન્સને તાત્કાલિક રવાના કરવી, વ્યવસ્થિત રેસ્ક્યુ અને રિકવરી, અને સ્થળ પરના નેતૃત્વએ અસરકારકતા અને સંવેદનશીલતા સાથે આ ગંભીર પરિસ્થિતિનું સંચાલન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

  • Follow us on: