અમદાવાદમાં થયેલ ગમખ્વાર વિમાન દુર્ઘટના બાદ સિવિલ મેડિસિટીમાં આવેલ કસોટી ભવનમાં તાત્કાલિક એક ડેડિકેટેડ કમાંડ સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યું હતું. મૃતદેહોની ઓળખ માટે જરૂરી ડીએનએ મેચિંગ પ્રક્રિયા માટે સ્વજનોના ડીએનએ સેમ્પલિંગની કામગીરી આવશ્યક હતી. જે બીજે મેડીકલ કોલેજના કસોટી ભવન ખાતે શરૂ કરવામાં આવેલી. આરોગ્ય તંત્ર આ 'કસોટી' પાર ઊતર્યું છે.ડીએનએ સેમ્પલિંગની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે.દુઃખદ વિમાન અકસ્માત બાદ મૃતદેહોની ઓળખ કરવા ડીએનએ મેચિંગ માટે સેંપલ કલેક્શનની પ્રક્રિયા વહેલી તકે અને સંવેદનશીલતા સાથે પૂર્ણ કરવા માટે માઇક્રોબાયોલોજિસ્ટની 5 નિષ્ણાત ટીમોની રચના કરવામાં આવી હતી.
પોલીસ વિભાગને નિર્દેશો આપવામાં આવ્યા હતા
મુશ્કેલ સમયમાં પીડિતોના પરિવારજનોને દરેક શક્ય સહાય વિના વિલંબે પૂરી પાડવાના ઉદ્દેશ સાથે આ સેન્ટર કાર્યરત છે.પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટને જવાબદારી સોંપવામાં આવી હતી કે તે તમામ જરૂરી વ્યવસ્થાઓ જેમ કે બેસવાની સુવિધા, શુદ્ધ પીવાનું પાણી, ચા-કોફી વગેરેની વ્યવસ્થા સંપૂર્ણ સંવેદનશીલતા સાથે સુનિશ્ચિત કરે કે જેથી ત્યાં પહોંચેલા શોકમગ્ન પરિજનો અને મુલાકાતીઓને યથાસંભવ આરામ અને સન્માજનક વાતાવરણ મળી શકે.આ સાથે જ, હોસ્પિટલ સંકુલ અને કસોટી ભવનની આજુબાજુ સતત વધતી લોકોની સંખ્યાને સુવ્યવસ્થિત રીતે નિયંત્રિત કરવા તથા શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ વિભાગને નિર્દેશો આપવામાં આવ્યા હતા.
સમર્પણ અને સહાનુભૂતિ સાથે કામ કર્યુ
આ મુશ્કેલ અને લાગણીશીલ ક્ષણોમાં પરિવારજનોને માનસિક સહાય આપવા તથા માર્ગદર્શન પૂરું પાડવા માટે મનોચિકિત્સકો તથા કાઉન્સેલરોની ટીમ પણ સ્થળ પર તૈનાત કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારના શોક કે ઘબરાટથી ઉત્પન્ન થનાર પરિસ્થિતિમાં ત્વરિત પ્રાથમિક સારવાર આપવા માટે ફર્સ્ટ એડ ટીમ પણ તૈયાર રાખવામાં આવી છે. ડીએનએ સેંપલ મેચિંગ પ્રક્રિયા માટે જે પરિજનો પોતે ઉપસ્થિત નથી રહી શકતાં તેવી પરિસ્થિતિમાં તેમના ઘરેથી જ ડીએનએ સેંપલ કલેક્શન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, સ્થળ પર આવનાર તમામ વ્યક્તિઓની સહાય અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે મોટી સંખ્યામાં સ્વયંસેવકો તેમજ જનસેવકોએ વહીવટી અધિકારીઓ સાથે મળી સમર્પણ અને સહાનુભૂતિ સાથે કામ કર્યુ છે.
કંટ્રોલ રૂમના સંપર્ક નંબરો પ્રદર્શિત કરવામાં આવ્યાં
આ અત્યંત દુઃખદ અકસ્માતના પીડિત પરિવારજનોને સ્થળ પર કોઈ પણ પ્રકારની અસુવિધા કે અગવડ ન થાય અને તેમને તમામ જરૂરી માહિતી તેમજ માર્ગદર્શન સરળતાથી પ્રાપ્ત થઈ શકે, તે માટે બધા મહત્ત્વપૂર્ણ સ્થળો પર યોગ્ય સાઇન બોર્ડ તથા કંટ્રોલ રૂમના સંપર્ક નંબરો પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. રાજ્ય સરકારે આ કપરા સમયમાં સંપૂર્ણ સંવેદનશીલતા સાથે ગુમ થયેલ વ્યક્તિઓના પરિજનો માટે રહેવા-જમવાની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે.આ કટોકટીભરી પરિસ્થિતિમાં તમામ પ્રકારના ડેટાને રીયલ-ટાઇમમાં અપડેટ કરવાની પણ વ્યવવસ્થા કરવામાં આવી છે કે જેથી કોઈ પણ પ્રકારની ભ્રામક માહિતી ન ફેલાય.