12 જૂને અમદાવાદમાં સર્જાયેલી એર ઈન્ડિયાની વિમાન ક્રેશની દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો સાથે એર ઈન્ડિયા સતત ખડેપગે ઉભું છે.


આ મુશ્કેલીના સમયમાં એર ઈન્ડિયા અને તેની મૂળ કંપની, ટાટા સન્સ, તેમને શક્ય તેટલી તમામ મદદ પૂરી પાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ત્યારે આ દુર્ઘટના બાદ મૃતકોના પરિવારજનોને આર્થિક મદદ કરવાની જાહેરાત એર ઈન્ડિયા દ્વારા કરવામાં આવી હતી.

મૃતકોના પરિવારજનોની મદદ માટે હેલ્પડેસ્કની શરૂઆત

જેને લઈને 15 જૂનથી મૃતકોના પરિવારજનોની મદદ માટે હેલ્પડેસ્કની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં તાત્કાલિક નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે, મૃતકો અને બચી ગયેલા દરેક નાગરિકને રૂપિયા 25 લાખ વચગાળાના વળતર દાવાઓની પ્રક્રિયા કરવામાં પરિવારોને મદદ કરી રહ્યું છે. આ સિંગલ-વિન્ડો સિસ્ટમ ઝડપી ડોક્યુમેન્ટેશન સુનિશ્ચિત કરે છે અને વળતર પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવામાં મદદ કરે છે.

પરિવારજનોને વળતર ચૂકવવાની કામગીરી શરૂ

તમને જણાવી દઈએ કે 20 જૂન 2025થી વચગાળાનું વળતર પરિવારજનોને ચૂકવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 3 પરિવારોને વળતરની ચુકવણી કરવામાં આવી છે અને બાકીના તમામ ક્લેમની પ્રક્રિયા પણ ચાલુ છે. આ સિવાય ટાટા ગ્રુપની કંપની ટાટા સન્સ દ્વારા પહેલાથી જ જાહેર કરાયેલી 1 કરોડ રૂપિયાની મદદ માટે પણ એર ઈન્ડિયા ઘાયલ થયેલા લોકો અને જીવ ગુમાવનારા લોકોના પરિવારોનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તમામ લોકોને વહેલામાં વહેલી તકે આર્થિક મદદ ચૂકવી દેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં સર્જાયેલી વિમાન ક્રેશની દુર્ઘટનામાં 270થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને અન્ય ઘણા લોકો ઘાયલ પણ થયા છે. ત્યારે આ દુર્ઘટના બાદ સમગ્ર દુનિયામાં હાહાકાર મચી ગયો છે અને નિષ્ણાંતો પણ આ ઘટનાથી સ્તબ્ધ છે.


  • Follow us on: