અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ સમગ્ર દેશ હચમચી ઉઠ્યો છે અને ઘણા લોકોએ પોતાના સ્વજનો, મિત્રો, પતિ-પત્ની, પુત્ર, ભાઈ-બહેનને આ દુર્ઘટનામાં ગુમાવ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ આ દુર્ઘટનાનો શિકાર બન્યા છે. ત્યારે આ દુર્ઘટના બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ તાત્કાલિક અમદાવાદ દોડી આવ્યા છે અને દુર્ઘટનાસ્થળે નિરીક્ષણ કર્યા બાદ સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા છે.
DNAએ બાદ મોતનો આંકડો સામે આવશે
વધુમાં કેન્દ્રીય ગૃહપ્રધાને કહ્યું કે આ દુર્ઘટનાથી સમગ્ર દેશ શોકમાં છે. તમામ દેશવાસીઓ મૃતકના પરિવારજનો સાથે આ દુ:ખના સમયમાં સાથે છે. પ્લેન દુર્ઘટનાના સમાચાર 10 મિનિટમાં કેન્દ્ર સરકાર પાસે પહોંચ્યા હતા. દુર્ઘટના બાદ તમામ વિભાગો એક સાથે બચાવ કામગીરીમાં લાગી ગયા હતા. આ પ્લેનમાં 230 મુસાફર, 12 ક્રૂ - મેમ્બર સવાર હતા. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં 1 મુસાફરનો જીવ બચ્યો છે. DNAએ બાદ મોતનો આંકડો સામે આવશે.
1000 જેટલા DNA ગુજરાતમાં જ થશે: અમિત શાહ
વિમાનમાં સવા લાખ લિટર ઈંધણ હતું. આગ, ગરમીના કારણે બચાવવાનો સમય ન મળ્યો. અમિત શાહે વધુમાં કહ્યું કે મોટા ભાગના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. પરિવારના DNA મેળવવાની કામગીરી ચાલુ છે. મૃતદેહની ઓળખ માટે DNA લેવાયા છે, 1000 જેટલા DNA ગુજરાતમાં જ થશે. રિવ્યુ બેઠકમાં બધી ચર્ચા કરવામાં આવી છે. એવિએશન વિભાગે તપાસ ચાલુ કરી દીધી છે.













