આવતીકાલે એટલે કે 16 જૂને રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણીની અંતિમવિધિ રાજકોટમાં યોજાશે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વિજય રૂપાણીની અંતિમયાત્રામાં જોડાશે. આવતીકાલે એટલે કે 16 જૂને બપોરે 3 વાગ્યે અમિત શાહ રાજકોટ આવશે અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમયાત્રામાં જોડાશે. અમિત શાહ સિવાય સંઘના આગેવાનો સહિત અનેક લોકો પણ રાજકોટમાં વિજય રૂપાણીની અંતિમયાત્રામાં જોડાશે.
વિજય રૂપાણીનો મૃતદેહ ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ નિવાસસ્થાને લઈ જવાશે
ઉલ્લેખનીય છે કે વિજય રૂપાણીના મૃતદેહને આવતીકાલે 16 જૂને 11.30 વાગ્યે હોસ્પિટલમાંથી પરિવારજનોને સોંપવામાં આવશે. ત્યારબાદ 12.30 વાગ્યે વિજય રૂપાણીના નશ્વરદેહને રાજકોટ લઈ જવામાં આવશે. રાજકોટમાં વિજય રૂપાણીની અંતિમયાત્રા નીકળશે. બપોરે 12.30થી 2 વાગ્યાની વચ્ચે હવાઈ માર્ગે વિજય રૂપાણીના નશ્વરદેહને રાજકોટ પહોંચાડાશે. તે પછી 2.30થી 4 વાગ્યા સુધીમાં ગ્રીન ચોકડીથી અંતિમ યાત્રા કાઢવામાં આવશે. ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ નિવાસસ્થાને લઈ જવાશે. પૂર્વ મુખ્યપ્રધાનના પુત્ર ઋષભે વડાપ્રધાન મોદી, મુખ્યપ્રધાન, વડીલો, ભાજપના કાર્યકર્તાઓ અને અન્ય નાગરિકોનો દુ:ખની ઘડીમાં સહકાર આપવા બદલ આભાર માન્યો છે.
ગુજરાતમાં આવતીકાલે રાજકીય શોકની જાહેરાત
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિધન થયું છે, ત્યારે આવતીકાલે એટલે કે 16 જૂને રાજ્યભરમાં એક દિવસનો રાજકીય શોક રહેશે. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિધનથી રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે એટલે આવતીકાલે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે. તમને જણાવી દઈએ કે આ પ્લેન દુર્ઘટનામાં 270થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, આ દુર્ઘટના બાદ રાજ્યભરમાં જાણે કે શોકનો માહોલ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
પ્લેન ક્રેશ સ્થળેથી બોડીના પાર્ટ મળી આવ્યા
અમદાવાદમાં બનેલ દુર્ઘટના બાદ ઘટનાસ્થળેથી વધુ કેટલાક બોડીના પાર્ટ મળવાનો સિલસિલો યથાવત છે. દુર્ઘટનાસ્થળેથી કેટલાક બોડીના પાર્ટ મળી આવ્યા છે. NIA અને FSLને બોડી પાર્ટ મળી આવ્યા છે. DNA ચેક થયા બાદ પાર્ટ કોના છે તે જાહેર થશે.