અમદાવાદમાં ફરી એકવાર બેફામ ગતિએ ચાલતા વાહનોનો કહેર જોવા મળ્યો છે. દાણીલીમડા પોલીસ લાઈન પાસે એક ગંભીર અકસ્માતમાં 20 વર્ષીય યુવક અમન શેખનું કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક ડમ્પરની ટક્કરથી થયો હતો. બનાવ મોડી રાત્રે બન્યો હતો. અમન શેખ તેના એક્ટિવા પર માતા માટે દવા લેવા શાહઆલમ તરફ જઈ રહ્યો હતો. ત્યારે દાણીલીમડા પોલીસ લાઈન પાસે સામેથી આવી રહેલા AMCના ડમ્પરે તેને અડફેટે લીધો હતો.
દાણીલીમડા પોલીસ લાઇન પાસે સર્જાયો અકસ્માત
ટક્કર એટલી જોરદાર હતી કે અમનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ દુર્ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ કે ડિવિઝન ટ્રાફિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ડમ્પર ચાલક શૈલેષ ગરાસિયાની ધરપકડ કરી લીધી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ડમ્પર ચાલક છેલ્લા બે વર્ષથી AMC માટે કામ કરતો હતો. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.













