અમદાવાદ શહેરના ફાયરિંગ મામલામાં પોલીસે સઘન કાર્યવાહી કરતાં મુખ્ય આરોપી ઇમરાન કડિયા સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળનું પંચનામું કર્યું અને સમગ્ર ગુનાનું રિ-કન્સ્ટ્રકશન કરાવ્યું હતું. આ ઘટનાક્રમથી પોલીસે કેસની તપાસમાં મહત્વની પ્રગતિ કરી છે. મુખ્ય આરોપી ઇમરાન કડિયા અગાઉ ખંડણીના કેસમાં બે વર્ષ સુધી જેલમાં રહી ચૂક્યો છે અને જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે આ ગુનો આચાર્યો હતો.


આરોપીએ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું

ફાયરિંગનો ભોગ બનેલી મહિલા શાહિસ્તા બાનુના ઘરે ઇમરાન કડિયા અને તેના સાગરિતોએ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટના બાદ પોલીસ તુરંત હરકતમાં આવી હતી અને આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ જેટલા હથિયારો પણ કબજે કર્યા છે, જે આ ગુનામાં વપરાયા હોવાનું મનાય છે. આ હથિયારો ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે.

આરોપીઓનું રિ-કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું

આરોપીઓનું રિ-કન્સ્ટ્રકશન અને પંચનામું કરવાથી પોલીસને ગુનાની સાચી હકીકત અને આરોપીઓની ભૂમિકા વધુ સ્પષ્ટ રીતે સમજવામાં મદદ મળી છે. આ કેસમાં કાયદાકીય પ્રક્રિયા હવે આગળ વધશે. આ ઘટનાએ શહેરમાં ગુનેગારોની વધતો આતંક અને હથિયારોની સરળ ઉપલબ્ધતા જેવા મુદ્દાઓને ફરી એકવાર પ્રકાશમાં લાવ્યા છે.


  • Follow us on: