20 ઓક્ટોબરે દિવાળીના પર્વે તમામ સ્ટેશનથી ઓપરેટ થતી મેટ્રો ટ્રેનના સમયમાં 3 કલાકનો કરાયો ઘટાડો, વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ માટે છેલ્લી ટ્રેન સાંજે 7.05 વાગે ઉપડશે અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ, APMCથી મોટેરા માટે છેલ્લી ટ્રેન સાંજે 7.10 વાગે ઉપડશે, APMCથી સચિવાલય અને સચિવાલયથી APMC માટે છેલ્લી ટ્રેન સાંજે 6.24 કલાકે ઉપડશે અને ગિફ્ટ સિટીથી APMC માટે છેલ્લી ટ્રેન 6.18 કલાકે ઉપડશે.


અમદાવાદ મેટ્રોની સફર વર્ષ ૨૦૨૫માં નવા આયામો સર કરી રહી છે

સમયની સાથે કદમ મિલાવતું ગુજરાત, વિકસિત ભારતના સંકલ્પનું સાકાર સ્વરૂપ બનીને ઊભરી રહ્યું છે. ગુજરાત હવે માત્ર ઔદ્યોગિક વિકાસ માટે જ નહીં, પરંતુ અદ્યતન માળખાગત સુવિધાઓ માટે પણ દેશભરમાં મોડેલ તરીકે ઓળખાય છે. આ પ્રગતિની જીવંત સાબિતી છે - ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ. અમદાવાદ મેટ્રોની સફર વર્ષ ૨૦૨૫માં નવા આયામો સર કરી રહી છે. શરૂઆતમાં જ્યાં દિવસના સરેરાશ ૩૫ હજાર મુસાફરો મુસાફરી કરતા હતા, તે આંકડો આજે વધીને ૧.૫ લાખ સુધી પહોંચ્યો છે. અત્યાર સુધીમાં મેટ્રોમાં કુલ ૧૦.૩૮ કરોડ નાગરીકોએ મુસાફરી કરી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનએ ૯૯.૮૪ ટકા સમયસર સેવા આપીને મુસાફરોનો વિશ્વાસ જીત્યો છે.

અમદાવાદ શહેરના ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ ભાગને જોડતી લાઈન શરૂ થઈ હતી

ગુજરાતના શહેરો હવે ટ્રાફિક નહીં પરંતુ ટ્રાન્ઝિટની નવી ઓળખ સાથે આગળ વધી રહ્યા છે. અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે દોડતી મેટ્રો ટ્રેન હવે માત્ર મુસાફરીનું સાધન નથી, પરંતુ રાજ્યના આધુનિક પરિવહન સ્વપ્નને સાકાર કરતી એક મજબૂત કડી બની છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો નવેમ્બર ૨૦૧૪માં મંજૂર થયો હતો. માર્ચ ૨૦૧૯માં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી ૬.૫ કિમીનો પ્રથમ ભાગ શરૂ થતાં અમદાવાદના નગરજનોને નવી સફરની શરૂઆત મળી. વર્ષ ૨૦૨૨માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૩૨ કિમીની લાઈનનું લોકાર્પણ થતાં મેટ્રો અમદાવાદ શહેરના ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ ભાગને જોડતી લાઈન શરૂ થઈ હતી.

ગુજરાતના શહેરો આજે આધુનિક પરિવહનના નવા યુગમાં પ્રવેશી રહ્યા છે

બીજા તબક્કામાં ગુજરાતના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદને જોડતો કુલ ૨૮.૨ કિમીનો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. મોટેરાથી સેક્ટર-૧ અને GIFT City સુધીનો ભાગ સપ્ટેમ્બર ૨૦૨૪માં શરૂ થયો જ્યારે સચિવાલય સુધીનો ભાગ એપ્રિલ ૨૦૨૫માં ખુલ્લો મુકાયો છે. ટૂંક સમયમાં અમદાવાદથી મહાત્મા મંદિર સુધીનો રૂટ સંપૂર્ણ કાર્યરત થતાં કુલ ૬૮ કિ.મી.ના રૂટ પરના ૫૪ સ્ટેશનોને મેટ્રો રેલ સુવિધા મળશે. મોટેરાથી સચિવાલય સુધી દોડતી મેટ્રો માત્ર અંતર નથી ઘટાડી રહી તે બે નગરોના વિકાસને એક જ ધારા સાથે જોડે છે. વિદ્યાર્થીઓથી લઈને ઓફિસના કર્મચારીઓ સુધી, હવે દરેક માટે આ સફર ઝડપી, સુરક્ષિત અને આરામદાયક બની છે. ગુજરાતના શહેરો આજે આધુનિક પરિવહનના નવા યુગમાં પ્રવેશી રહ્યા છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે દોડતી મેટ્રો ટ્રેન હવે માત્ર સફરનું સાધન નથી, પરંતુ ગુજરાતના ગતિશીલ વિકાસનું પ્રતિક બની ગઈ છે.

 

  • Follow us on: