અમદાવાદના ન્યુ મણિનગર વિસ્તારમાં આવેલા શરણમ એલિગન્સમાં પેટ ડોગ જર્મન શેફર્ડે 2 બાળક પર હુમલો કરવાનો બનાવ બન્યો છે. સોસાયટીમાં જ રહેતી એક મહિલા પોતાના પાળેલા ડોગને લઇને જતી હતી ત્યારે જર્મન શેફર્ડ તેના હાથમાંથી છટકીને અચાનક ભાગ્યો હતો અને 2 બાળકને કરડ્યો હતો. આ ઘટનાએ ફરી એક વાર પેટ ડોગ રાખવાના નિયમો પર ચર્ચા ઉભી કરી છે. આ પહેલા પણ અમદાવાદના હાથીજણ વિસ્તારમાં રોટવીલર પેટ ડોગે ચાર મહિનાની બાળકી પર હુમલો કરતા તેનું મોત થયું હતું.
માત્ર 16500થી વધુ પેટ ડોગ માલિકોએ તેમના 19 હજાર જેટલા પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાવ્યું
જો કે અમદાવાદ શહેરમાં આ વર્ષના આરંભથી પેટ ડોગ રજિસ્ટ્રેશન પ્રક્રીયા ફરજિયાત કરાઈ છે અને તેમાં 1 ઓકટોબરથી શહેરમાં પાલતુ કૂતરાં રાખવા પ્રતિ ડોગ રજિસ્ટ્રેશન ફી રૂપિયા બે હજાર કરાઈ છે. છતાં પેટ ડોગ રાખતા લોકો રજિસ્ટ્રેશન કરાવવામાં નિરસ રહ્યા છે. મળેલી માહિતી પ્રમાણે શહેરમાં 50 હજાર પેટ ડોગના રજિસ્ટ્રેશનની કાર્યવાહી કરવાની છે પણ અત્યાર સુધી માત્ર 16500થી વધુ પેટ ડોગ માલિકોએ તેમના 19 હજાર જેટલા પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
પેટ ડોગની સંખ્યા સામે ઓછા પ્રમાણમાં રજિસ્ટ્રેશન થયું
શહેરમાં અંદાજે 50 હજાર જેટલા પેટ ડોગ માલિકો દ્વારા રખાઈ રહયા છે. તમને એ જાણીને નવાઇ લાગશે કે શહેરમાં સૌથી વઘુ 3559 લેબ્રાડોર અને 1359 જર્મન શેફર્ડ પેટ ડોગની નોંધણી કરાઈ છે. હજું પણ ઘણી બ્રીડના પેટ ડોગનું રજિસ્ટ્રેશન બાકી છે. પેટ ડોગની સંખ્યા સામે ઓછા પ્રમાણમાં રજિસ્ટ્રેશન થયું છે તેમાં કોર્પોરેશનની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે.
શહેરીજનોમાં લાબ્રાડોર અને જર્મન શેફર્ડ રાખવાનો ક્રેઝ
શહેરમાં 3559 લેબ્રાડોર, 1359 જર્મન શેફર્ડ, શિહત્ઝુ 1287, ગોલ્ડન રીટ્રીવર 1230, પોમેરિયન 988, બીગલ 505, સાઇબેરીયન હસ્કી 414, રોટવીલર 326 જ્યારે અન્ય 654 પેટ ડોગ છે.
સૌથી ખતરનાક શ્વાનમાં જર્મન શેફર્ડ બીજા નંબરે
જે રજિસ્ટ્રેશન થયા છે તે જોતાં શહેરીજનોમાં લાબ્રાડોર પેટ ડોગ રાખવાનો ક્રેઝ જોવા મળે છે જ્યારે ત્યારબાદ જર્મન શેફર્ડ અને શિહત્ઝુનો નંબર આવે છે. ખતરનાક ગણાતા પેટ ડોગમાં પિટબુલ, રોટવિલર, જર્મન શેફર્ડ, ચાઉ પાઉ તથા ટોસા ઇનુ બ્રિડનો સમાવેશ થાય છે.
શ્વાનને પાળવાના આ નિયમો
તમારે શ્વાન પાળવો હોય તો તેના ઘણા નિયમો પણ છે જેમાં શ્વાનને હડકવા વિરોધી રસી અપાવવવી, કોર્પોરેશનમાં જઇને નિયત ફી ભરીને શ્વાનની નોંધણી કરાવવી, નિયત સમયે આ નોંધણી રિન્યુ કરાવવી નો સમાવેશ થાય છે પણ જેટલા રજિસ્ટ્રેશન થયેલા છે તે જોતાં લોકો હજું પણ નિરસ છે અને તંત્ર પણ લાપરવાહી દાખવી રહ્યું છે. ગાઇડલાઇન મુજબ રાત્રે શ્વાનના ભસે તેવી જવાબદારી મકાન માલિકની છે તો બહાર લઇ જતા પહેલા શ્વાનના ગળામાં પટ્ટો હોવો જરુરી છે. એપાર્ટમેન્ટની લિફ્ટમાં શ્વાનને લઇ જઇ શકાય છે પણ શ્વાનના કારણે પાડોશી સહિત કોઇને પણ નુકશાન ના થવું જોઇએ. શ્વાન સ્વસ્થ અને સાફ હોવો જરુરી છે તથા જો તે જાહેર સ્થળે ગંદકી કરે તો તે સાફ કરવાની જવાબદારી માલિકની છે.