હેરિટેજ સિટી અમદાવાદમાં સાબરમતી નદી પર નિર્મિત આઈકોનિક અટલબ્રિજ આજે અમદાવાદના નગરવાસીઓ સહિત દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દિવાળી વેકેશન હોય કે ઉનાળાનું વેકેશન, આ અટલ ફૂટ ઓવર બ્રિજ લોકો માટે ફરવાનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયો છે. વડાપ્રધાન મોદીએ 27 ઓગસ્ટ 2022ના રોજ અટલબ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મૂક્યો હતો.


અટલ બ્રિજની 77.71 લાખ લોકોએ મુલાકાત લીધી

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કૉર્પોરેશન દ્વારા આપવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ 31 ઓગસ્ટ 2022થી ઓક્ટોબર 2025 સુધીના સમયમાં કુલ 77,71,269 લોકોએ અટલ બ્રિજની મુલાકાત લીધી છે.આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ₹27.70 કરોડથી વધુની આવક પણ થઇ છે.SRFDCL દ્વારા આપવામાં આવેલા વર્ષવાર આંકડાઓની વિગતવાર વાત કરીએ તો, 31 ઓગસ્ટ 2022 થી માર્ચ 2023 દરમિયાન 21.62 લાખ પ્રવાસીઓએ અટલ બ્રિજની મુલાકાત લીધી હતી, જેનાથી ₹6.44 કરોડ આવક થઇ હતી.

કુલ ખર્ચના 37 ટકાથી વધુ રકમ વસૂલ થઈ ગઈ

એપ્રિલ 2023 થી માર્ચ 2024 દરમિયાન 26.89 લાખ મુલાકાતીઓ થકી ₹8.24 કરોડની તેમજ એપ્રિલ 2024 થી માર્ચ 2025 દરમિયાન 20.67 લાખ મુલાકાતીઓ થકી ₹8.19 કરોડની આવક થઇ હતી.એપ્રિલ 2025થી ઑક્ટોબર 2025 સુધીમાં 8.51 લાખ મુલાકાતીઓ અટલ બ્રિજની મુલાકાત લઈ ચૂક્યા છે, જેનાથી અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનને ₹4.82 કરોડની આવક થઇ છે.આ આઈકોનિક અટલ બ્રિજ અંદાજે ₹74 કરોડનો ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. અત્યારસુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અટલ બ્રિજ થકી ₹27.70 કરોડની આવક થઇ ચૂકી છે. આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અટલબ્રિજ પાછળ કરેલા કુલ ખર્ચના 37 ટકાથી વધુ રકમ વસૂલ થઈ ગઈ છે.


  • Follow us on: