કદાચ અમદાવાદ શહેર એવું મેટ્રો સિટી હશે કે જેમાં દરેક ચોમાસામાં કમર તોડ ખાડા પડી જાય છે જીવલેણ ભુવા પડી જાય છે અને રોડ પણ તૂટી જાય છે તેમ છતાં તંત્ર જાણે કે કોન્ટ્રક્ટર કે અધિકારી સામે કોઈ આકરા પગલાં લઈને દાખલો નથી બેસાડતું, તો બીજી તરફ જે બચાવ કરવામાં આવે છે એ પણ જાણે કે પાયા વિહોણો હોય તેવું સિવિલ એન્જિનિયર માની રહ્યા છે, આખરે કેમ અમદાવાદમાં રોડ તૂટે છે ક્યાં તંત્ર બેદરકારી દાખવી રહ્યું છે.
અમદાવાદમાં ચાલુ સિઝનમાં અત્યાર સુધી આશરે 6 હજાર જેટલા ખાડા રોડ પર પુરવામાં આવ્યા છે
ચોમાસાની સિઝન આવે એટલે પાણી ભરાવવાની સાથે સાથે રોડની દુર્દશા થવાની ફરિયાદો ઉઠતી હોય છે, અને તેને રીપેર કરવા પાછળ મનપા કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ મનપા એવી રીતે રોડ નથી બનવંતુ કે જેના કારણે વર્ષો સુધી રોડની આવરદા રહે, અમદાવાદ મહાનગર પાલિકાનો દાવો છે કે નવો ડામર રોડ બને તે બાદ આશરે 3 વર્ષ જેટલો સમય થાય એટલે રોડનું ઉપરનું લેયર નીકળી જતું હોય છે અને એ બાદ વરસાદ પડે એટલે રોડ પર ખાડા પાડવાની શરૂઆત થતી હોય છે ચાલુ સિઝનમાં અત્યાર સુધી આશરે 6 હજાર જેટલા ખાડા રોડ પર પુરવામાં આવ્યા છે, આ દાવો છે amc રોડ કમિટી ચેરમેન જયેશ પટેલનો.
રોડ પર પાણી ના નિકાલ માટે ડ્રેનેજ વ્યવસ્થા યોગ્ય હોય તો રોડને આટલા જલ્દી નુકસાન થતું નથી
હવે જો આ જ કારણ થી રોડ તૂટી જતા હોય તો પછી શહેરના આશ્રમ રોડ હોય કે પછી સીજી રોડ હોય તેમાં કેમ આટલા મોટા પ્રમાણમાં નુકશાન નથી થતું ? કેમ ત્યાં રોડ નથી તૂટતાં ? શું 3 વર્ષ બાદ ત્યાં ડામર રોડનું ઉપરનું લેયર નહિ ઉખડી જતું હોય ? અન્ય રોડ પર જેમ ખાડા પડે છે તો પછી આ રોડ પર કેમ આવા ખાડા નથી દેખાતા ? તેની પાછળના પણ ચોક્કસ કારણો છે, આ અંગે જયારે સિવિલ એન્જિનિયર પાસે જાણવા પ્રયાસ કર્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે ડામરની ક્વોલિટી યોગ્ય હોય , રોડ પર પાણી ના નિકાલ માટે ડ્રેનેજ વ્યવસ્થા યોગ્ય હોય તો રોડને આટલા જલ્દી નુકસાન થતું નથી.
ચાલુ વર્ષમા 1000 કરોડનું બજેટ રોડ પાછળ વાપરવામાં આવ્યું છે
તો જયારે નવો રોડ બનાવવામાં આવે ત્યારે માટી પુરાણ કરવામાં આવે તો તે યોગ્ય રીતે થવું જોઈએ તેનું લેયર યોગ્ય હોવું જોઈએ અને પૂરતા પ્રમાણમાં પાણી નાખી રોલર ફરે તો રોડની ક્વોલિટી યોગ્ય રહે અને રોડને નુકસાન ના થાય હવે તો ટેક્નોલોજી એવી આવી છે કે ચાલુ વરસાદમાં પણ કેમિકલ નાખવામાં આવે તો રોડ પરના ખાડામાં ડામર નાખી કેમિકલ લગાવવામાં આવે તો કપચી હાલતી નથી, તો બીજી તરફ amc વિપક્ષ નેતાના ગંભીર આક્ષેપ છે કે ચાલુ વર્ષમા 1000 કરોડનું બજેટ રોડ પાછળ વાપરવામાં આવ્યું છે.
ચાલુ ચોમાસામાં એટલે કે જૂનમાં 5033 ફરિયાદ ઓનલાઇન આપવામાં આવી છે
જેમાં ભુવા અને નાના મોટા ખાડા ની 838 ફરિયાદ આવી છે રોડ રીપેર કરવા માટે 3264 ફરિયાદ કરવામાં આવી છે તો પેચ વર્ક માટે 292 ફરિયાદ આવી છે આ તો થઇ ચાલુ વર્ષની એટલે કે એક દિવસની જોઈએ તો આશરે 150 ફરિયાદ આવે છે ... છેલ્લા 5 વર્ષમાં 1 લાખ 35 હજાર જેટલી ફરિયાદ મનપામાં ઓનલાઇન નોંધાઈ છે ત્યારે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે પરંતુ amcના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી.
દર વર્ષે કરોડોનું એંધાણ થાય તેમ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર જ રહે છે
આમ તંત્ર જનતા પાસેથી વર્ષે કરોડો રૂપિયાનો ટેક્ષ ઉઘરાવે તો છે પરંતુ તેની સામે સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે, કરોડો રૂપિયાના બજેટ રોડ બનાવવા પાછળ ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ક્વોલિટી કામ પર ધ્યાન આપવામાં આવતું નથી જેના કારણે દર વર્ષે કરોડોનું એંધાણ થાય તેમ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર જ રહે છે.