અમદાવાદના ન્યુ મણિનગર વિસ્તારમાં આવેલા શરણમ એલિગન્સમાં પેટ ડોગ જર્મન શેફર્ડે 2 બાળક પર હુમલો કરવાનો બનાવ સામે આવ્યો છે. સોસાયટીમાં જ રહેતી એક મહિલા પોતાના પાળેલા ડોગને લઇને જતી હતી ત્યારે જર્મન શેફર્ડ તેના હાથમાંથી છટકીને અચાનક ભાગ્યો હતો અને 2 બાળકને કરડ્યો હતો.આ ઘટનાએ ફરી એક વાર પેટ ડોગ રાખવાના નિયમો પર ચર્ચા ઉભી કરી છે. અગાઉ પણ શહેરના હાથીજણ વિસ્તારમાં રોટ વિલર શ્વાનના હુમલામાં એક બાળકીનું મોત નિપજ્યું હતું. આવી ઘટનાઓ બાદ હોસ્ટેલ બનાવવા માટે મહાનગર પાલિકાના સત્તાધિશોને બ્રહ્મજ્ઞાન થયું છે.
પાલતુ શ્વાન માટે બે હોસ્ટેલ બનાવવા નિર્ણય
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં વધી રહેલી ડોગ બાઈટ અને એટેકના કિસ્સાને લઈને મહાનગર પાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. પાલતુ શ્વાન માટે બે હોસ્ટેલ બનાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે પણ આ પ્રકારની ઘટના બને ત્યારે શ્વાનને 15 દિવસ માટે હોસ્ટેલમાં રાખવામાં આવશે. શ્વાન જ્યારે નોર્મલ થાય ત્યારે જ ત્યાંથી તેને છોડવામાં આવશે. આ ઉપરાંત UHC અને CHCમાં ડોગ વેક્સિન ઉપલબ્ધ કરાશે.













