અમદાવાદમાં લૂંટ અને ચોરીની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. શહેરમાં જ્વેલર્સમાં દાગીના ખરીદવાના નામે આવતી મહિલાઓની ગેંગ દ્વારા પણ લૂંટની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે શહેરના રાણિપ વિસ્તારમાં એક બુકાનીધારી મહિલાએ જ્વેલર્સની આંખમાં મરચું નાંખીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. જ્વેલર્સના માલિકે મહિલાને પકડીને ઉપરા છાપરી થપ્પડો મારી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
બુકાનીધારી મહિલાએ જ્વેલરની આંખોમાં મરચું નાખ્યું
અમદાવાદના રાણીપ વિસ્તારમાં ત્રણેક દિવસ પહેલા ધોળે દહાડે લૂંટની ઘટના સામે આવી હતી. એક બુકાનીધારી મહિલાએ જ્વેલર્સની દુકાનમાં ઘૂસીને અચાનક જ્વેલર્સની આંખમાં મરચું નાંખી લૂંટનો પ્રયાસ કર્યો હતો. દુકાનના માલિકની આંખમાં મરચુ પડતાં રહી ગયું અને માલિકે મહિલાને પકડીને 25 સેકન્ડમાં 17થી વધુ થપ્પડો ઝીંકી દીધી હતી. દુકાનના માલિકે મહિલાને પકડીને દુકાનની બહાર કાઢી હતી. વેપારીની આંખોમાં મરચુ જતાં રહી ગયું અને લૂંટની ઘટના અટકી ગઈ હતી.













