અમદાવાદના ન્યુ મણિનગર વિસ્તારમાં આવેલા શરણમ એલિગન્સમાં પેટ ડોગ જર્મન શેફર્ડે 2 બાળક પર હુમલો કરવાનો બનાવ બન્યો છે. સોસાયટીમાં જ રહેતી એક મહિલા પોતાના પાળેલા ડોગને લઇને જતી હતી ત્યારે જર્મન શેફર્ડ તેના હાથમાંથી છટકીને અચાનક ભાગ્યો હતો અને 2 બાળકને કરડ્યો હતો. આ ઘટનાએ ફરી એક વાર પેટ ડોગ રાખવાના નિયમો પર ચર્ચા ઉભી કરી છે. પાલતુ શ્વાનના હુમલાથી સોસાયટીના લોકોમાં રોષ ફેલાયો છે. રામોલ પોલીસે ડોગના માલિક પાપાબેનની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


સોસાયટીના સભ્યોએ ડોગના મોઢા પર માસ્ક લગાવવા માટે કહ્યું હતું

સોસાયટીના ચેરમેને કહ્યું હતું કે, સોસાયટીએ આ ઘટના બાદ પાલતુ શ્વાન નહીં રાખવા માટે નિર્ણય લીધો છે. અત્યાર સુધીમાં ત્રણ લોકો પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. સોસાયટીના સભ્યોએ ડોગના મોઢા પર માસ્ક લગાવવા માટે કહ્યું હતું. આ મુદ્દે ડોગના માલિક પ્લાનિસ્વામી વણિયારે કહ્યું હતું કે, ડોગ કરડવાની ઘટના આકસ્મિક છે. ઈરાદા પૂર્વક ડોગ કોઈને કરડ્યો નથી. અમારી ભૂલ છે કે ડોગને માસ્ક નહોતુ પહેરાવ્યું. હવે હું કોઈને પણ ડોગ નહીં કરડે તેની ખાતરી આપું છું. હું માત્ર સવારે અને રાત્રે જ ડોગને બહાર લઈને નીકળીશ.

રામોલ પોલીસે ડોગના માલિકની ધરપકડ કરી

સ્થાનિકોનું કહેવું છે કે, સોસાયટીમાં બીજા બાળકો સાથે પણ આ પ્રકારની ઘટના બની શકે છે. સોસાયટીમાં આવા કૂતરા રાખવા જોખમી છે. બાળકો સોસાયટીમાં રમતા હોય છે. બીજી બાજુ પોલીસે કહ્યું હતું કે, કોર્પોરેશનની પોલીસી પ્રમાણે ડોક્યુમેન્ટ હતાં કે નહીં તેની તપાસ શરૂ કરાઈ છે. ડોગ માલિકે કોર્પોરેશનમાં રજિસ્ટ્રેશન કરાવીને એક હજાર રૂપિયાની ફી પણ ભરી છે. રામોલ પોલીસે ડોગના માલિક પાપાબેન ઉર્ફે સંગીતા વણિયારની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: