Ahmedabad news:
સરકાર દ્વારા સરકારી શાળા અને તેના શિક્ષણ અંગે જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે અનેક સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાની વિગતો સામે આવતી રહે છે. ભરતી પ્રક્રિયા બાદ પણ રાજ્યમાં ધોરણ 9થી 12માં શિક્ષકોની ઘટ યથાવત છે. જે કારણે બાળકોના શિક્ષણ અંગે સવાલો ઉઠી રહ્યા છે. આ સાથે વિદ્યાર્થીઓનું ભાવી અદ્ધરતાલે છે.
રાજ્યમાં 2700 શિક્ષકોની ઘટ
દિવાળી વેકેશન બાદ બીજુ શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે. આમ છતા શિક્ષકોની ઘટ યથાવત રહેતા વિદ્યાર્થીઓના શિક્ષણ અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે. ધોરણ 9થી 12માં શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. માધ્યમિક વિભાગની વાત કરવામાં આવે તો હાલ રાજ્યમાં 2700 શિક્ષકોની ઘટ છે. આ અંગે શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ વિભાગને વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે.
પ્રવાસી શિક્ષકો આપવામાં આવે તેવી માંગ
વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકો આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. શાળામાં હાલ ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા અઘરા લાગતા વિષયોના શિક્ષકોની જ ઘટ જોવા મળી રહી છે. જે કારણે વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન રાખવાની ફરજ પડી રહી છે. આવામાં ગરીબ વિદ્યાર્થીઓને વધારાનો બોજો પડી રહ્યો છે.
આ ઉપરાંત ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓનું શિક્ષકોની ઘટના કારણે ભાવિ અટવાયું છે. બોર્ડની પરીક્ષા બાદ જ વિદ્યાર્થીની કારકિર્દીને આકાર મળતો હોય છે. આવામાં કારકિર્દીનો પાયો ગણાતા શિક્ષણમાં જ શિક્ષકોની અછતના કારણે બાળકોનું ભવિષ્ય પણ ખરાબ થાય તેવી શક્યતા છે.
વિભાગ દ્વારા કોઈ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી
ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક વિભાગમાં શિક્ષકોની ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેમ છતા શિક્ષકો મળ્યા ન હતા. જ્યારે શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક વિભાગમાં શિક્ષકોની ભરતી કરવાનું જ ભૂલી ગયા હોય તેમ જણાઈ રહ્યું છે. આ માટે વિભાગ દ્વારા કોઈ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી.
શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષકોની ભરતી ઝડપી પ્રક્રિયા કરીને કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ સાથે વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે અને તેમના ભાવિ પર માઠી અસર ન થાય તે માટે ભરતી પ્રક્રિયા ન થાય ત્યાં સુધી શાળામાં પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવામાં આવે, તેવી માંગ પણ શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી રહી છે.