કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના વરદ હસ્તે સરદાર ધામ ખાતે ફેઝ-2 કન્યા છાત્રાલય તથા 100 કરોડની ‘દીકરી દત્તક યોજના’નું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.અમિત શાહે કહ્યું હતું કે, દરેક સમાજ આ રીતે જાગૃત બને તો સરકારનું કાર્ય સરળ અને સહજ થઈ જાય.પટેલ સમાજ એટલે એવો સમાજ જે અભ્યાસુઓ માટે એક અભ્યાસનો વિષય છે.આ સમાજે સ્થાપેલા ધંધા, રોજગાર, ટ્રાન્સપોર્ટેશન દરેક વિષય અભ્યાસનો છે કે તેમાં વર્ષો સુધી વર્ચસ્વ કેવી રીતે સ્થાપિત કરી શકાય. પટેલ સમાજનું સમગ્ર ગુજરાતના વિકાસમાં ખૂબ જ મોટું યોગદાન રહેલું છે.


3 હજાર દીકરીઓ અને 2 હજાર દીકરાઓ ભણશે

અમિત શાહે વધુમા કહ્યું હતું કે, દીકરીઓને હોસ્ટેલમાં મુકતા મા બાપ ગભરાય છે. પોતાના સમાજ દ્વારા જ્યારે આવી સુરક્ષિત વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો અંતરિયાળ ગામડાઓમાંથી પણ દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે બહાર આવી પોતાનું ભવિષ્ય સુનિશ્ચિત કરી શકશે.સરદાર ધામનું સ્લોગન સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ જો દરેક સમાજ સ્વીકાર કરે તો ખરેખર રાષ્ટ્રનું શ્રેષ્ઠ નિર્માણ થતા કોઈ અટકાવી શકે નહીં. આ અદભૂત સંગઠન થકી 3 હજાર દીકરીઓ અને 2 હજાર દીકરાઓ ભણીને સમાજ, રાજ્ય અને દેશનું નામ રોશન કરે તેવા આશયથી સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલી કલ્પના જમીન ઉપર આબેહુબ ઉતરી છે.

ગુજરાતી અને હિન્દી ભાષા શીખવા માટેના વર્ગો ચાલુ કરવા જોઈએ

અમિત શાહે કહ્યું હતું કે, આ સંસ્થા દ્વારા છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતી અને હિન્દી ભાષા શીખવા માટેના વર્ગો ચાલુ કરવા જોઈએ.જેથી આ યુવા પેઢી માતૃભાષા શીખી, સમાજની તળપદી ભાષા સમજી શકે અને ભવિષ્યમાં સમાજસેવા સરળતાથી કરી શકે. સંસ્થાની ઈ-લાઇબ્રેરી વધુ સમૃદ્ધ બને તે માટે અન્ય લાઇબ્રેરીઓ સાથે ઓનલાઇન કનેક્ટ થઈ, વધુમાં વધુ પુસ્તકો ઉપલબ્ધ થાય તેવું પણ સૂચન કર્યું હતું. જેના પરિણામે UPSC અને GPSCની ટ્રેનીંગ માટે આવતા વિદ્યાર્થીઓને વધુ સરળતા રહે.સરદારધામે 3 હજાર દીકરીઓ માટે ભણવા, રહેવા અને જમવાની સગવડ સાથે છાત્રાલય શરૂ કરી કન્યા કેળવણીનો પાયો મજબૂત કર્યો છે. આ ઉપરાંત દીકરીઓ માટે 100 કરોડની ‘દત્તક દીકરી યોજના’નું પણ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે લોકાર્પણ કર્યુ છે.


  • Follow us on: