દિવાળીના તહેવારો દરમિયાન બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઋતુચક્રના ફેરફેરને કારણે શરદી,ખાંસી અને ડેન્ગ્યુ જેવા અનેક દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં નોંધાયા છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ પ્રકારની બિમારીના દર્દીઓ નોંધાયા છે. દિવાળીના તહેવારમાં સિવિલમાં સાત હજાર જેટલા દર્દીઓએ સારવાર લીધી છે અને 1400થી વધુ દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી. ઓક્ટોબર મહિનામા 24 દિવસમાં 96 દર્દીઓને ડેન્ગ્યુની સારવાર આપવામાં આવી હતી.
ડાયેરિયા અને વોમિટિંગના કેસમાં ઘટાડો નોંધાયો
અસારવા સિવિલના સુપ્રિટેન્ડેન્ટ ડો રાકેશ જોશીએ કહ્યું હતું કે, આ વખતે દિવાળીના તહેવારોમાં રોગચાળો કંટ્રોલમાં છે. ડેન્ગ્યુના કેસ ગત માસ કરતાં આ માસમાં ખૂબ ઓછા નોંધાયા છે. કમળાના ગયા મહિનામાં 216 કેસ હતા, જે અત્યારે 23 દિવસમાં 132 કેસ નોંધાયા છે. આ વખતે અત્યાર સુધી 37 લોકોએ સાદા મેલેરિયાની સારવાર લીધી છે.આ વખતે ડાયેરિયા અને વોમિટિંગના કેસમાં પણ ઘણો બધો ઘટાડો નોંધાયો છે.વાયરલ ફીવરમાં પણ ઘણો ઘટાડો છે. 417 લોકોને વાયરલ ફીવરના કેસીસ ગયા મહિનામાં જોવા મળ્યા હતા.













