આગામી 22 સપ્ટેમ્બરથી માં દુર્ગાની આરાધનાનું પર્વ નવરાત્રિ શરૂ થશે. રાજ્યમાં ઠેર ઠેર નવરાત્રિની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં પણ અનેક સ્થળો પર ગરબાની રમઝટ માટે તૈયારીઓ શરૂ કરાઈ છે.પોલીસે નવરાત્રિની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ નવરાત્રિના આયોજન માટે નિયમ જાહેર કરવામાં આવ્યાં છે. જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.


ગરબાની પરવાનગી લેવા પ્રોસેસ શરૂ કરવામાં આવી

અમદાવાદ જિલ્લા કલેક્ટરના જાહેરનામા પ્રમાણે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે 12 વાગ્યા પછી ગરબા બંધ કરવા પડશે. ગરબા આયોજકોએ ફરજિયાત પરમિશન લેવી પડશે. આયોજન સ્થળે સુરક્ષા, ટ્રાફિક અને મેડિકલ સુવિધા જરૂરી છે. નિયમ તોડનાર ગરબા આયોજક સામે કડક કાર્યવાહી થશે.ફાયર સેફટી, ટ્રાફિક વ્યવસ્થા,મહિલાઓની સુરક્ષા સહિત એન્ટ્રી એક્ઝિટ ગેટ અલગ રાખવા પણ કલેક્ટરના જાહેરનામામાં જણાવાયું છે. ગ્રામ્ય વિસ્તારના આયોજકોએ જાહેરનામા પ્રમાણે તૈયારીઓ શરૂ કરી છે. ગરબાની પરવાનગી લેવા પ્રોસેસ શરૂ કરવામાં આવી છે. આયોજકો ખાનગી બાઉન્સરોની સંખ્યા વધારે રાખશે.

અમદાવાદ શહેરમાં 66 આયોજકોએ મંજૂરી માગી

અમદાવાદમાં નવરાત્રિના ગરબા માટે કૂલ 66 આયોજકોએ પોલીસની મંજૂરી માટે અરજી કરી છે. પોલીસે હજી સુધી એક પણ આયોજકને મંજૂરી આપી નથી. પોલીસ ગરબાના ગ્રાઉન્ડ પર રૂબરૂ મુલાકાત કરશે. આયોજકો પાસે ફાયર એનઓસી છે કે નહીં તેમજ ગરબા તેમજ પાર્કિંગ વિસ્તારમાં સીસીટીવી છે કે નહીં તેવા તમામ નિયમોના પાલન બાદ પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવશે.


  • Follow us on: