આગામી 22 સપ્ટેમ્બરથી માંગ દુર્ગાની આરાધનાનું પર્વ નવરાત્રિ શરૂ થશે. રાજ્યમાં ઠેર ઠેર નવરાત્રિની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં પણ અનેક સ્થળો પર ગરબાની રમઝટ માટે તૈયારીઓ શરૂ કરાઈ છે. અમદાવાદ પોલીસ કમિશ્નરે નવરાત્રિને લઈને કહ્યું હતું કે, પોલીસે નવરાત્રિની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવરાત્રિમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરશે.


એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ પર બંદોબસ્ત ગોઠવાશે

પોલીસ કમિશ્નરે કહ્યું હતું કે, નવરાત્રિ સમયે શી ટીમ પણ પેટ્રોલિંગ કરશે. લોકો કાયદામાં રહીને નવરાત્રિ ઉજવે તેવી અપીલ કરવામાં આવે છે. નોટિફિકેશન પ્રમાણે નવરાત્રિમાં ગરબાનો સમય 12 વાગ્યા સુધીનો છે. કોઈપણ દુર્ઘટના થાય તો પીસીઆર વાનને કોઈ હદ નહીં નડે. પહેલા હદની સમસ્યાને કારણે કોઈ પ્રતિસાદ મળતો નહોતો. ટ્રાફિક નિવારવા માટે વધારાનો બંદોબસ્ત ગોઠવાશે. એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ પર બંદોબસ્ત ગોઠવાશે.

સરકાર દ્વારા ધ્વનિ પ્રદૂષણ અંગે એક પોલિસી તૈયાર કરવામાં આવી

નવરાત્રિ પહેલા રાજ્ય સરકાર દ્વારા ધ્વનિ પ્રદૂષણ અંગે એક પોલિસી તૈયાર કરવામાં આવી છે. આ પોલિસીને હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવી છે. આ પોલિસી પ્રમાણે કોઈપણ સભા કે સરઘસ અંગે આયોજકે મંજૂરી લેવી ફરજિયાત છે. ડીજે અને લાઉડ સ્પીકર માટે અલગથી મંજૂરી લેવી પડશે. રાજ્યમા જિલ્લા કલેક્ટર દર વર્ષે સાયલેન્ટ ઝોન જાહેર કરશે. આ નિયમોનુ કલેક્ટર અને પોલીસ કમિશનર પાલન કરાવશે.


  • Follow us on: