અમદાવાદ શહેરમાં હત્યા, અપહરણ, લૂંટ અને ચોરીના બનાવો સતત સામે આવી રહ્યા છે. ત્યારે શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ ઘટ્યો હોવાનો દાવો કર્યો હતો. તેમણે છેલ્લા ત્રણ વર્ષમાં નોંધાયેલી ગુનાખોરીના આંકડા રજૂ કર્યા હતાં. શહેરના પાલડી અને ઓઢવ વિસ્તારમાં થયેલી હત્યાની ઘટના હજી તાજી છે ત્યાં શહેરમાં ગુનાઓ ઘટ્યા હોવાનો તેમણે દાવો કર્યો હતો.


પ્રોજેક્ટ સીસીટીવી પાર્ટ 2ની શરૂઆત કરાઈ

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલિકે કહ્યું હતું કે, શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ બે વર્ષમાં ઘટ્યો છે. વર્ષ 2023માં ઓગસ્ટ સુધીમાં ગુનાખોરીના 8642 કેસ,2024 ઓગસ્ટ સુધીમાં 6643 કેસ અને 2025 ઓગસ્ટ સુધીમાં ગુનાખોરીના 6554 કેસ નોંધાયા છે. છેલ્લા બે વર્ષ કરતાં આ વર્ષે ગુનાખોરી ઘટી હોવાનો તેમણે દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, પોલીસને સીસીટીવી પ્રોજેક્ટથી મહત્વના કેસ ઉકેલવામાં ઘણી મદદ મળી રહી છે. શહેરમાં ખાનગી સીસીટીવી લગાવવાથી ઘણા કેસોની માહિતી મળી છે. ચાલુ વર્ષે પ્રોજેક્ટ સીસીટીવી પાર્ટ 2ની શરૂઆત કરાઈ છે.

શહેરના 3437 ખાનગી સીસીટીવીની ફીડ આવી રહી છે

પોલીસ સ્ટેશનમાં શહેરના 3437 ખાનગી સીસીટીવીની ફીડ આવી રહી છે. આ ઉપરાંત 3061 ખાનગી સીસીટીવીની ફીડ કંટ્રોલ રૂમને મળી રહી છે. જ્યારે મહાનગર પાલિકાના 4000 જેટલા કેમેરાની ફીડ પોલીસને મળે છે. સીસીટીવી કેમેરા ક્રાઈમ ડિટેક્શનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. શહેરમાં ધાડના કેસોમાં સો ટકા ટિટેક્શન છે. ગયા વર્ષે લૂંટના 76 કેસમાંથી 67 કેસ ડિટેક્ટ કરવામાં આવ્યાં છે. જેનું 86.16 ટકા ડિટેક્શન છે. ઘરફોડ ચોરીના ગયા વર્ષે 231માંથી 131 કેસ ઉકેલાયા છે. જેનું 56.7 ટકા ડિટેક્શન છે. ચોરીના ચાલુ વર્ષે 2372 ટકા કેસ આવ્યા હતા. ગયા વર્ષે 2514 કેસ આવ્યા હતાં.

ખાનગી ફીડથી પોલીસની કામગીરી સરળ બની

પોલીસ કમિશ્નરે કહ્યું હતું કે, શહેરમાં એસપી રીંગરોડ અમદાવાદમાં સામેલ થયો છે. ત્યાંના પણ ગુના ઉકેલાઈ રહ્યાં છે. ઓઢવ બિલ્ડર હત્યા કેસમાં સીસીટીવીની ખાનગી ફીડથી પોલીસની કામગીરી સરળ બની છે. સીસીટીવીથી બિલ્ડરના હત્યારા બનાસકાંઠા ગયા હોય તેવું જાણવા મળ્યું હતું. જેથી આરોપીની ધરપકડ થઈ હતી અને મનસુખ લાખાણીની પણ ધરપકડ કરવામાં આવી છે


  • Follow us on: