ગુજરાતમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન ચાઈનિઝ દોરીથી અનેક લોકોના ગળા કપાય છે. જેના કારણે મોત અને ઈજાની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવે છે. આ દોરીથી અબોલા પક્ષીઓને પણ ઈજાઓ પહોંચે છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં ચાઈનીઝ, નાયલોન અને સિન્થેટિક દોરી સહિત ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધ મુકવા અંગેની અરજી દાખલ કરાઈ હતી. આ અરજી સંદર્ભે આજે સુનાવણી હાથ ધરાઈ હતી.


ચાઈનીઝ દોરીનું ઓનલાઈન વેચાણ કરી શકાય નહીં

હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ અને જસ્ટીસ ડી.એન. રેનીની ખંડપીઠ હેઠળ યોજાયેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આ પ્રકારની દોરીનું ઓનલાઈન વેચાણ કરી શકાય નહીં. આ દોરીના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાજ્યમાં 20થી વધુ જિલ્લાઓએ તેને લગતુ જાહેરનામું બહાર પાડી દીધું છે. દોરી ઉત્પાદકોનું કહેવું છે કે, તેઓ માત્ર કોટન દોરીનું ઉત્પાદન કરે છે અને આ પ્રકારની દોરીના પ્રતિબંધની વિરોધમાં નથી.

માત્ર ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મુકવો જોઈએ

કોર્ટમા પતંગના દોરાના ઉત્પાદકોના વકીલે કહ્યું હતું કે, માત્ર ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મુકવો જોઈએ. કોટન દોરા વિના પતંગ ના ઉડાવી શકાય. ત્યાર બાદ હાઈકોર્ટે અરજદારને આદેશ આપ્યો હતો કે, કોટન દોરા હાનિકારક છે કે નહીં તેના પુરાવા આપો. હાઈકોર્ટે સાદી દોરીનો ઉપયોગ કરવા આદેશ કર્યો હતો. ઉત્સવની ઉજવણીમાં પર્યાવરણ અને પશુ પક્ષીઓનું ધ્યાન રાખવું જરૂરી છે.


  • Follow us on: