અમદાવાદના સાણંદ તાલુકાના લોદરીયાળ ગામમાં એક અત્યંત કરૂણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. મૃતકોમાં એક યુવક, એક યુવતી અને એક બાળકનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના પ્રેમ પ્રકરણ અથવા પારિવારિક વિવાદને કારણે ઘટી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં ખૂની ખેલ ખેલાયો છે.


સાણંદના લોદરીયાળમાં એક જ પરિવારના 3ના મોત

પોલીસની પ્રાથમિક આશંકા મુજબ પતિએ તેની પત્ની અને બાળકની હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરી લીધી છે. જોકે આ હત્યા-આત્મહત્યા છે કે પછી ત્રણેયના મૃત્યુ પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ સાણંદ પોલીસની ટીમ તાત્કાલિક લોદરીયાળ ગામના ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે.

પતિએ હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી હોવાની આશંકા

સૌથી મહત્વની વાત એ છે કે પોલીસને ઘટનાસ્થળેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. આ સ્યુસાઇડ નોટમાં મૃત્યુ પાછળનું કારણ અને અન્ય વિગતો મળી શકે છે. જે આ સમગ્ર રહસ્ય પરથી પડદો ઉઠાવવામાં મદદરૂપ થશે. પોલીસે સ્યુસાઇડ નોટને કબજે કરીને તેના લખાણની ખરાઈ કરવા અને સમગ્ર ઘટનાક્રમને સમજવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પારિવારિક ઝઘડો કે અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 

  • Follow us on: