અમદાવાદ શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ અને પીસીબી (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા પ્રોહિબિશનના ગુનાઓ ડામવા માટે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત અમદાવાદ પીસીબીની ટીમે બાતમીના આધારે શહેરના મેમ્કો વિસ્તારમાં આવેલા એક પાન પાર્લરમાં દરોડો પાડીને મોટા પાયે ચાલતા વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી છે.
પાન પાર્લરની આડમાં થતું હતું દારૂનું વેચાણ
મેમ્કો પાસે આવેલા શિવ શક્તિ નગર વિસ્તારમાં એક પાન પાર્લરની આડમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાની ચોક્કસ માહિતી પીસીબીની ટીમને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે શિવ શક્તિ નગરમાં સપાટો બોલાવી આકસ્મિક રેડ પાડી હતી. પાન પાર્લર તેમજ તેની આસપાસ તપાસ કરતા પોલીસને વિદેશી દારૂની નાની-મોટી અસંખ્ય બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી અંદાજે રૂ.3.44 લાખની કિંમતનો ગેરકાયદેસર દારૂનો જથ્થો કબ્જે કર્યો છે.













