અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સ્માર્ટ અને રાહદારીઓ માટે સુરક્ષિત બનાવવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. શહેરમાં ટ્રાફિકથી સતત ધમધમતા એવા સી. જી. રોડ પર અમદાવાદનું સર્વપ્રથમ પેલિકન સિગ્નલ પ્રાયોગિક ધોરણે એટલે કે ટ્રાયલ બેઝ પર લગાવવામાં આવ્યું છે. આ સિગ્નલની ખાસિયત એ છે કે તે સામાન્ય સિગ્નલની જેમ આપમેળે ચાલુ-બંધ થવાને બદલે રાહદારીઓ દ્વારા ઓપરેટ થશે.
અમદાવાદમા પહેલું પેલિકન સિગ્નલ લગાવાયું
અમદાવાદ શહેરમાં સી. જી. રોડ ક્રોસ કરવા ઈચ્છતા નાગરિકો માટે સિગ્નલના પોલ પર એક ખાસ પુશ બટન મૂકવામાં આવ્યું છે. જ્યારે કોઈ રાહદારી રોડ ક્રોસ કરવા માટે આ બટન દબાવશે, ત્યારે વાહનો માટે તાત્કાલિક રેડ લાઈટ થઈ જશે અને વાહનો થંભી જશે.રાહદારી સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરી શકે તે માટે ચોક્કસ સમય નક્કી કરવામાં આવ્યો છે. એ સમય પૂરો થતાં જ સિગ્નલ આપોઆપ ખૂલી જશે અને વાહનોની અવરજવર ફરી શરૂ થઈ જશે.













