અમદાવાદ શહેરમાં આગામી સમયમાં અષાઢી બીજના પવિત્ર દિવસે યોજાનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાને લઈને વહીવટી તંત્ર અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે. રથયાત્રા દરમિયાન લાખોની મેદની ઉમટતી હોવાથી ભક્તોની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવી રહી છે. રથયાત્રાના રૂટ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભયજનક અને જર્જરીત મકાનો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોન દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર સઘન સર્વેની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે, જેમાં જોખમી જણાયેલા કુલ 523 મકાનોને નોટિસ ફટકારવામાં આવી છે.
કોટ વિસ્તારના જૂના મકાનો પર AMCની નજર
રથયાત્રા પરંપરાગત રીતે જમાલપુર, ખાડિયા, શાહપુર અને દરિયાપુર જેવા કોટ વિસ્તારના સાંકડા અને જૂના વિસ્તારોમાંથી પસાર થાય છે. આ વિસ્તારોમાં વર્ષો જૂના અનેક જર્જરીત મકાનો આવેલા છે, જે ચોમાસાની શરૂઆતમાં કે ભારે ભીડના દબાણને કારણે તૂટી પડવાનો ભય રહે છે. આ જોખમ નિવારવા માટે AMC અત્યંત જર્જરીત અને જોખમી મકાનોને પોતાની દેખરેખ હેઠળ જાતે જ ઉતારી રહી છે.
રથયાત્રા રૂટ પર મકાનો અને નોટિસની સ્થિતિ
- કુલ મકાનો (રૂટ પર): 4675
- કુલ ભયજનક મકાનો જેને નોટિસ અપાઈ: 523
કયા વોર્ડમાં કેટલા મકાનો અને કેટલી નોટિસ?
- જમાલપુર: કુલ મકાનો 323, ભયજનક મકાનો (નોટિસ) 9
- ખાડિયા 1: કુલ મકાનો 582, ભયજનક મકાનો (નોટિસ) 121
- ખાડિયા 2: કુલ મકાનો 1238, ભયજનક મકાનો (નોટિસ) 161
- દરિયાપુર: કુલ મકાનો 2444, ભયજનક મકાનો (નોટિસ) 221
- શાહીબાગ: કુલ મકાનો 70, ભયજનક મકાનો (નોટિસ) 7
- શાહપુર: કુલ મકાનો 18, ભયજનક મકાનો (નોટિસ) 4
ખાડિયા અને દરિયાપુરમાં સૌથી વધુ જોખમ
અમદાવાદ મનપાના સત્તાવાર આંકડાઓ મુજબ, રથયાત્રાના રૂટ પર સૌથી વધુ ભયજનક મકાનો ખાડિયા વિસ્તારમાં નોંધાયા છે, જ્યાં ખાડિયા-1 અને ખાડિયા-2 મળીને કુલ 282 મકાનોને નોટિસ આપવામાં આવી છે. જ્યારે દરિયાપુર વિસ્તારમાં 221 મકાનો જોખમી જણાતા નોટિસ પાઠવવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ સંબંધિત મકાન માલિકોને વહેલી તકે જરૂરી સમારકામ અથવા ભયજનક ભાગ દૂર કરવા કડક સૂચના આપવામાં આવી છે, જેથી રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થઈ શકે.
આ પણ વાંચો - Gandhinagar Farmers Protest: હજારો ટ્રેક્ટરોના કાફલા સાથે સરકાર સામે મોરચો, ટ્રાફિક ચક્કાજામ!