અમદાવાદ 15 જૂનના રોજ સમગ્ર ગુજરાતના ખેડૂતોના સંઘર્ષ અને આક્રોશનું સાક્ષી બન્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા હજારો ખેડૂતો આજે પોતાની પડતર માંગણીઓને લઈને અમદાવાદના રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. પોતાના હક્ક અને અધિકાર માટે યોજાયેલી આ મહારેલીમાં ખેડૂતોએ ટ્રેક્ટરો અને વાહનોના વિશાળ કાફલા સાથે જોરદાર શક્તિપ્રદર્શન કર્યું છે. અમદાવાદથી ઓગણજ સુધીના વિસ્તારો ખેડૂતોના સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યા છે.


વર્ષોથી પેન્ડિંગ પ્રશ્નોને લઈને ખેડૂતો આક્રમક

ખેડૂત સંગઠનો અને રેલીમાં જોડાયેલા જગતના તાતનો આક્ષેપ છે કે, પાકના યોગ્ય ભાવ, સિંચાઈનું પાણી, વીજળીના દર અને જમીન સંબંધિત અનેક મહત્વના મુદ્દાઓ લાંબા સમયથી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ સરકાર તરફથી કોઈ યોગ્ય નિકાલ ન આવતા આખરે ખેડૂતોને ન્યાય મેળવવા માટે રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે. 

રેલીમાં ઉપસ્થિત ખેડૂત અગ્રણીએ જણાવ્યું હતું કે, 'આ માત્ર એક વિરોધ પ્રદર્શન નથી, પરંતુ પોતાના હક્ક અને સળગતા પ્રશ્નોના કાયમી નિરાકરણ માટેની ખેડૂતોની સિંહગર્જના છે.'

ટ્રેક્ટરોના કાફલાથી હાઈવે ચક્કાજામ, તંત્ર એલર્ટ

મહારેલીને પગલે અમદાવાદના અનેક વિસ્તારો અને ખાસ કરીને હાઈવે પર ખેડૂતોના ટ્રેક્ટરોની લાંબી કતારો જોવા મળી રહી છે. પરિસ્થિતિને થાળે પાડવા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ અને વહીવટી તંત્ર તાત્કાલિક એલર્ટ મોડ પર આવી ગયું છે. સુરક્ષા અને ટ્રાફિક ડાયવર્ઝન માટે ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.




ગાંધીનગર સુધી પહોંચશે ગુંજ, સૌની નજર સરકારના વલણ પર

અમદાવાદમાં એકત્ર થયેલી ખેડૂતોની આ એકતા અને આક્રોશની ગુંજ હવે ગાંધીનગર સચિવાલય સુધી પહોંચશે તે નક્કી છે. આ ઐતિહાસિક મહારેલી બાદ હવે સરકાર ઝૂકે છે કે, કેમ અને ખેડૂતો સાથે સુખદ સમાધાનનો કોઈ માર્ગ નીકળે છે કે નહીં, તેના પર અત્યારે આખા રાજ્યની નજર ટકેલી છે.


આ પણ વાંચો - Gandhinagar News : ખેડૂતોના આંદોલન વચ્ચે DyCM હર્ષ સંઘવીએ કહ્યું, મુખ્યમંત્રી દરેક લોકો માટે ઉદાર મનથી વિચારે છે


  • Follow us on: