પોતાના પડતર પ્રશ્નો અને ખાસ કરીને ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનના વળતર મુદ્દે ગુજરાતનો જગતનો તાત આજે આરપારના મૂડમાં આવી ગયો છે. ગાંધીનગરમાં આજે યોજાનારા ઐતિહાસિક ખેડૂત શક્તિ પ્રદર્શન પહેલા અમદાવાદના શાંતિપુરા સર્કલ પાસે હજારોની સંખ્યામાં ખેડૂતો એકત્ર થતાં વાતાવરણ ઉગ્ર બન્યું છે. રાજ્યભરમાંથી આવેલા ખેડૂતોએ શાંતિપુરા સર્કલને જાણે હાઈવે છાવણીમાં ફેરવી દીધું છે. અહીંથી ખેડૂતો 1111 ટ્રેક્ટરોની વિશાળ અને અભૂતપૂર્વ રેલી સાથે ગાંધીનગર કૂચ કરવા રવાના થયા છે, જેને પગલે હાઈવે પર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ છે અને પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે.


 વીજ લાઇન અને જમીન સંપાદન સામે મળતું અપૂરતું વળતર

આ વિરોધ પ્રદર્શન પાછળ ખેતરોમાં નાખવામાં આવી રહેલી વીજ લાઇન અને જમીન સંપાદન સામે મળતું અપૂરતું વળતર જવાબદાર છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રાઈવેટ કંપનીઓ અને તંત્ર દ્વારા વિકાસના નામે તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. ખેતીની કીમતી જમીન બગડતી હોવા છતાં વીજ લાઇન સામે પૂરતું કે યોગ્ય વળતર આપવામાં આવતું નથી. આ મુદ્દે હવે આરપારની લડાઈ શરૂ થઈ ચૂકી છે અને ખેડૂતો પોતાની માંગણીઓ પર મક્કમતાથી અડગ છે.

આ આંદોલન વધુ ઉગ્ર બનશે

આજના આ મહાસંગ્રામમાં ખેડૂત સંગઠનો દ્વારા માત્ર વળતર જ નહીં, પરંતુ ખેડૂતો પરના તમામ કૃષિ દેવા માફ કરવાની અને પાકના પોષણક્ષમ ભાવ આપવાની માંગ પણ બુલંદ કરવામાં આવી છે. 1111 ટ્રેક્ટરોના કાફલા સાથે નીકળેલી આ રેલી પાટનગર ગાંધીનગરના દરવાજે ટકોરા મારી રહી છે. ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો સરકાર તેમની ન્યાયિક માંગણીઓનો તાત્કાલિક ઉકેલ નહીં લાવે, તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે. હાલ પરિસ્થિતિને જોતા ગાંધીનગરમાં પણ કિલ્લાબંધી જેવો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


આ પણ વાંચો----    Sandesh Explainer : ભક્તોની આસ્થા અને કાયદા વચ્ચે કાનૂની જંગ, શું હવે ભગવાન પર પણ લાગશે કૉપીરાઇટ? જાણો ટ્રેડમાર્કનું અસલી સત્ય

  • Follow us on: