દિવાળીના તહેવારમાં ખરીદી માટે બજારોમાં લોકોની ભીડ જામી છે. આ ભીડનો લાભ લઈને ચોર ટોળકી અને ખિસ્સા કાતરૂઓ ચોરીના ગુનાને અંજામ આપી રહ્યાં છે. ત્યારે ખરીદીમાં વ્યસ્ત રહેતા લોકોના બાળકોનું અપહરણ અને કિંમતી વસ્તુની ચોરી અંગે લોકોને જાગૃત કરવા પોલીસે અભિયાન શરૂ કર્યું છે. પોલીસના આ અભિયાન દરમિયાન અનેક લોકોની વસ્તુઓ ચોરાઈ ગઈ હતી અને બાળકોના અપહરણ થયા હતાં. પરંતુ લોકો ખરીદીમાં જ વ્યસ્ત રહ્યા હતાં. આ ઝુંબેશ અંતર્ગત પોલીસે લોકોને સાવચેત રહેવાના પાઠ ભણાવ્યા હતાં.


મહિલાઓને ખબર જ નહોતી કે તેમની વસ્તુઓ ચોરાઈ

બજારોમાં દિવાળીની ખરીદી કરવામાં મશગૂલ રહેલી મહિલાઓને ખબર જ નહોતી કે તેમની વસ્તુઓ ચોરાઈ રહી છે અને ચોર તેમની સામે છે. કારણ કે ચોર બીજુ કોઈ નહીં પણ ખુદ પોલીસ જ છે. જેથી તેમની ચોરાયેલી વસ્તુઓ પરત મળી ગઈ હતી. જો ખરેખર ચોર ટોળકી સક્રિય હોત તો અનેક લોકોની કિંમતી વસ્તુઓ ચોરાઈ ગઈ હોત. મહિલાઓના પર્સમાંથી મોબાઈલ અને અન્ય કિંમતી વસ્તુઓ કાઢી લેવામાં આવી હતી. પોલીસે શરૂ કરેલા આ અભિયાનમાં ચોરીનો ભોગ બન્યા બાદ મહિલાઓ કેમેરામાં કેદ થઈ હતી અને પોલીસ તેમને જોઈને હસતી હતી.

એક મહિલા તેના બાળકનું અપહરણ થયું હોવાની વાત જાણીને રડી પડી

એક મહિલા તેના બાળકનું અપહરણ થયું હોવાની વાત જાણીને રડી પડી હતી. આ મહિલા ખરીદીમાં એટલી વ્યસ્ત હતી કે તેનું બાળક તેની પાસે નથી તેની તેને ખબર જ નથી. જ્યારે પોલીસ તેના બાળકને લઈને આવી ત્યારે તેને રાહત થઈ હતી. પોલીસે આ મહિલાને ઠપકો આપ્યો હતો અને ખરીદીમાં બે ધ્યાન રહેતી મહિલાઓને જાગૃત પણ કરી હતી. પોલીસે ચોર ટોળકીનો એક ડેટા તૈયાર કર્યો છે. આ ચોર ટોળકીને પકડવા પોલીસે એક ખાસ ટીમની રચના કરી છે.


  • Follow us on: