અમદાવાદમાં પ્રેમ કરવાની સગીરાને સજા મળી છે. પ્રેમી સાથે ઝઘડો થતા સગીરાનું ગળુ કાપીને કેનાલમાં ફેંકી પ્રેમી ફરાર થયો છે. સરખેજ પોલીસે હત્યામાં મદદ કરનાર પ્રેમીના મિત્રની ધરપકડ છે. હત્યાનો મુખ્ય સૂત્રધાર ફરાર થતા પોલીસે શોધખોળ શરૂ કરી છે. ત્યારે કોણ છે આરોપીઓ, જોઈએ આ અહેવાલમાં.
કેનાલમાંથી 15 વર્ષીય સગીરાનો મૃતદેહ મળી આવ્યો
પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી હિતેષ ઠાકોરની સરખેજ પોલીસે હત્યા કેસમાં ધરપકડ કરી છે. આરોપીએ પોતાના મિત્ર અજય ઠાકોર સાથે મળીને 15 વર્ષની સગીરાની હત્યા કરી હતી. ઘટનાની વાત કરીએ તો 14 ઓક્ટોબરના રોજ નરીમનપુરા કેનાલમાંથી 15 વર્ષીય સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના ચહેરા અને માથાના ભાગે ઈજાના નિશાન મળી આવતા સરખેજ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં સગીરાના હાથ પર અજય ઠાકોરના નામનું ટેટૂ હતું. આ ઉપરાંત તેની પાસે એક ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં બે મોબાઈલ નંબર લખેલા હતા.
જેમાં એક મોબાઈલ નંબર અજય ઠાકોરનો હતો અને બીજો અજાણ્યા યુવક નંબર હતો. જેમાં અજય ઠાકોર ફોન બંધ હતો, પરંતુ અજાણ્યા યુવકનો પોલીસે સંપર્ક કરતા મૃતક સગીરાની ઓળખ થઈ હતી. જે બાદ હત્યાનો ભેદ ઉકેલાયો હતો. સરખેજ પોલીસની ટીમે મૃતક સગીરાની માતાનો સંપર્ક કરતા અજય ઠાકોર સાથે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું હતું. તેથી પોલીસે હત્યામાં સંડોવાયેલા અજય ઠાકોરના મિત્ર હિતેશ ઠાકોરની ધરપકડ કરી મુખ્ય આરોપી અજયની શોધખોળ શરૂ કરી છે.
સગીરા પ્રેમીને પામવા માટે બે મહિના પહેલા જ ઘર છોડીને નાસી ગઈ હતી
પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક સગીરા સરખેજ ગામમાં રહેતી હતી. ત્યારે રીક્ષા ચાલક અજય ઠાકોરના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. અજય અને સગીરાના પ્રેમ સંબંધની જાણ પરિવારને જાણ થતા તેઓ સરખેજનું ઘર ખાલી કરી આણંદના ખંભાત ખાતે રહેવા જતા રહ્યા હતા. પરતું સગીરા પ્રેમીને પામવા માટે બે મહિના પહેલા જ ઘર છોડીને નાસી ગઈ હતી. બે મહિના બાદ સગીરાની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
પોલીસે આરોપી હિતેશ ઠાકોરની પૂછપરછ કરતા ખુલ્યું હતું કે અજય અને સગીરા બંને રિક્ષામાં જતા હતા, ત્યારે અજયે હિતેશને કામ હોવાનું કહીને રિક્ષામાં બેસાડ્યો હતો. ત્યાંથી નરીમનપુરા લઈ ગયો હતો, આ દરમિયાન અજય અને સગીરા વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હતો. ત્યારે અજયે હિતેશને સગીરાના હાથ પકડી રાખવાનું કહ્યું હતું. હિતેશ સગીરાના હાથ પકડી રાખતા અજયે સગીરાનું ગળું કાપી દીધું હતું, જે બાદ બોથર્ડ પદાર્થથી માથા અને ચહેરા પર હુમલો કરી, હત્યા કરી મૃતદેહ કેનાલ નાખી ફરાર થઈ ગયા હતા. હાલ સરખેજ પોલીસે અજય હત્યા કેસમાં અજયના મિત્ર હિતેશ ઠાકોરની ધરપકડ કરીને ઘટના સ્થળે લઈ જઈને તપાસ શરૂ કરી છે. અજય અને સગીરા વચ્ચે કયા કારણોસર ઝઘડો થયો હતો, તે અજયની ધરપકડ બાદ સામે આવી શકે છે. હાલ પોલીસે અલગ અલગ ટીમ બનાવી હત્યા કરનાર પ્રેમી અજયની શોધખોળ કરવામાં આવી રહી છે અને હત્યામાં વપરાયેલી છરીની તપાસ કરાઈ રહી છે.