તાજેતરમાં નડિયાદમા યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી અધિકારીઓને ટકોર કરી હતી કે, સાહેબ આવે એટલે રોડ બની જાય તેવી રીલ બને છે. સાહેબ આવે એટલે સ્વચ્છતા જળવાય તેવું ન હોય. અમે આવીએ કે ન આવીએ સ્વચ્છતા જળવાવી જોઇએ.પ્રજાજનોને કોઈ જ તકલીફ ન પડે તે રીતનું આપણું આયોજન હોવું જોઈએ. તેમની આ વાત ખરેખર સાચી સાબિત થઈ છે. અમદાવાદના સોલા વિસ્તારમાં એક સોસાયટીમાં તેમની મુલાકાત પહેલા ખાડા પૂરી દેવામાં આવ્યા હતાં.


કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થઈ ગયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના સોલા વિસ્તારમાં અધિષ્ઠાન શ્રેયા સોસાયટીમાં પહોંચ્યા હતાં. સ્થાનિક લોકોએ મુખ્યમંત્રીને પાયાની સુવિધાઓ મુદ્દે રજૂઆતો કરી હતી. જેમાં ખરાબ રોડ, ગટર, પાણી, દબાણ, ફૂટપાથ, સ્પીડ બ્રેકરને લઇને મુખ્યમંત્રીને લોકોએ ફરિયાદ કરી હતી. મુખ્યમંત્રીએ લોકોની ફરિયાદો સાંભળ્યા બાદ તેના નિરાકરણ માટે બાંહેધરી આપી હતી. આ ઉપરાંત એક સામાજિક કાર્યકરે મુખ્યમંત્રીને સાયન્સ સિટીના કોર્પોરેટર નિષ્ક્રિય હોવાની ફરિયાદ કરી હતી.મુખ્યમંત્રીની આ મુલાકાત પહેલા કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થઈ ગયા હતાં.

અમદાવાદ મનપાના અધિકારીઓ સફાળા જાગ્યા

આ સોસાયટીની મુલાકાતે સીએમ આવે તે પહેલાં જ ત્યાં પડેલા ખાડા પૂરી દેવાયા હતાં. મહાનગર પાલિકાના અધિકારીઓ સફાળા જાગ્યા હતાં. સોલા વિસ્તારમાં અચાનક ખાડા પૂરી દેવાયા હતાં. રોડનું સમારકામ પણ તાત્કાલિક ધોરણે કરી દેવાયું હતું. લોકો અનેક રજૂઆતો અને ફરિયાદો કરે ત્યારે અધિકારીઓ તેને સાંભળતા પણ નથી. પરંતુ જ્યારે મુખ્યમંત્રીનું આગમન થવાનું હોય ત્યારે અધિકારીઓ ઊંઘમાંથી ઉઠે છે અને તરત રોડ અને રસ્તા ચકાચક કરી નાંખે છે. લોકોમાં આ દરમિયાન એક ચર્ચા જબરી જામી હતી કે, મુખ્યમંત્રી રોજ આ સ્થળે આવે તો સારુ કારણ કે તેમના આવવાથી રોડ અને રસ્તાનું કામ તરત થઈ જાય છે. કોર્પોરેશનના અધિકારીઓની આ પ્રકારની કામગીરીને કારણે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો.


  • Follow us on: