ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં લોકો હિલ સ્ટેશન પર ફરવા માટે જાય છે. કુદરતી સૌંદર્યની મજા માણતા લોકો મોબાઈલથી સેલ્ફિ લેવાના ચક્કરમાં જીવ જોખમમાં મુકે છે. ત્યારે માઉન્ટ આબુમાં અમદાવાદના એક પ્રવાસીનું સેલ્ફી લેતી વખતે ઊંડી ખીણમાં પડતાં મોત નિપજ્યું છે.
ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે માઉન્ટ આબુ ફરવા માટે આવેલા ત્રણ પ્રવાસીઓમાંથી એક પ્રવાસી સેલ્ફિ લેતા લપસી ગયો હતો અને 300 ફૂટ ઊંડી ખીણમાં પડ્યો હતો. આ ઘટના આબુમાં આરણા હનુમાનજી મંદિરની નજીક બની હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ અને નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ડિઝાસ્ટર ટીમની મદદથી યુવકને ઊંડી ખીણમાંથી બહાર કાઢવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતાં. અથાગ પ્રયાસો બાદ તેને બહાર કાઢીને સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયો
માઉન્ટ આબુ ફરવા માટે આવેલા હિરેનભાઈ, વિપિનભાઈ અને દિનેશ પટેલ માઉન્ટ આબુમાં આરણા હનુમાનજી ખાતે સેલ્ફી લઈ રહ્યા હતા. આ દરમિયાન વિપિન લપસી ગયો અને 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયો હતો. લગભગ 2 કલાકની મહેનત બાદ તેને બહાર કાઢીને સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર પ્રદીપ ડાગાએ જણાવ્યું હતું કે હિરેન પટેલ, વિપિન પટેલ અને દિનેશ પટેલ અમદાવાદથી માઉન્ટ આબુના દર્શન કરવા આવ્યા હતા.
મૃતદેહને હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો
વિપિન પટેલ લપસીને અર્ના હનુમાનજી પાસે 300 ફૂટ ઊંડી ખાડીમાં પડી ગયા હતા.ઘણી મહેનત પછી તેમને બહાર કાઢીને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તબીબી તપાસ બાદ ડોક્ટર નવીન શર્માએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતદેહને હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો છે.તેમના પરિવારના સભ્યો આવશે ત્યારે કાર્યવાહી કરવામાં આવશે અને મૃતદેહ સોંપવામાં આવશે.