કોલ્હાપુરના એક મઠમાંથી હાથણી મહાદેવી અર્થાત માધુરીને વનતારા ખાતે સ્થાનાંતરિત કરવા અંગે વિવાદ સર્જાયા બાદ વનતારા દ્વારા એક સ્પષ્ટતા જાહેર કરવામાં આવી છે. વનતારા દ્વારા જાહેર કરવામાં આવેલી સ્પષ્ટતામાં કહેવાયું છે કે, જૈન મઠ અને કોલ્હાપુરના લોકો માટે હાથણી મહાદેવી માધુરીના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વને વનતારા સ્વીકારે છે. માધુરી દાયકાઓથી કોલ્હાપુરમાં જૈન મઠ તેમજ આદ્યાત્મિક પ્રથાઓ અને લોકોના સમુદાયનો અભિન્ન ભાગ રહી છે. જૈન મઠના નેતૃત્વ અને લોકોના હાથણી પ્રત્યેના લગાવ અને લાગણીઓનો આદર કરીએ છીએ.


વનતારાનો ઈરાદો ધાર્મિક પ્રથા કે ભાવનામાં દખલ કરવાનો નથી

વનતારા દ્વારા કહેવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટ અને બોમ્બે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો પ્રમાણે અમારી કાર્યવાહી મર્યાદિત રહી છે. હાથણી માધુરીને જૈન મઠથી વનતારામાં સ્થળાંતર કરવાનો નિર્ણય ન્યાયિક સત્તા હેઠળ લેવાયો છે. આ નિર્ણય અંતર્ગત વનતારાની ભૂમિકા ઈન્ડિપેન્ડેન્ટ રેસ્ક્યૂ, પશુચિકત્સા અને તેને રહેણાંક પૂરૂ પાડવા સુધીની છે. વનતારા દ્વારા હાથણીનું કોઈપણ તબક્કે સ્થળાંતર શરૂ કરાયુ નથી કે તેના માટે કોઈ ભલામણ પણ કરાઈ નથી. વનતારાનો ઈરાદો કોઈ ધાર્મિક પ્રથા કે ભાવનામાં દખલ કરવાનો પણ નથી.

માધુરીને સુરક્ષિત રીતે પરત કરવા માટે સંપૂર્ણ પુરી પડાશે

વનતારા દ્વારા એવુ પણ કહેવામાં આવ્યું છે કે, પશુ સંભાળની જવાબદારી, પશુ સાથે સારો વ્યવહાર અને સામુદાયિક સહયોગ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાને અનુરૂપ જૈન મઠ અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા કોર્ટ સમક્ષ હાથણી માધુરીને કોલ્હાપુર પરત લાવવાની વિનંતી કરતી કોઈપણ અરજીને વનતારા દ્વારા સંપૂર્ણ સમર્થન આપવામાં આવશે. કોર્ટની મંજૂરીને આધીન વનતારા દ્વારા હાથણી માધુરીને સુરક્ષિત રીતે પરત કરવા માટે સંપૂર્ણ ટેકનિકલ અને પશુચિકિત્સા સહાય પૂરી પાડવામાં આવશે.

હાથણી માધુરી માટે એક સેટેલાઈટ રિહાબિલિટેશન કેન્દ્ર સ્થાપવા વનતારા તૈયાર

આ ઉપરાંત કોલ્હાપુરના નંદની ક્ષેત્રમાં હાથણી માધુરી માટે એક સેટેલાઈટ રિહાબિલિટેશન કેન્દ્ર સ્થાપવા માટે જૈન મઠ અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરવાનો પ્રત્સાવ રાખે છે. જેને મઠની સંમતી બાદ વિકસિત કરવામાં આવશે. આ માટે કેટલીક સુવિધાઓ ઉભી કરવી પડે તેમ હોવાથી તેના માટે જમીન જરૂરી છે. આ જમીનની પસંદગી જૈન મઠ અને મહારાષ્ટ્ર સરકારના પરામર્શ દ્વારા કરવામાં આવશે. જરૂરી અનુદાન અને અનુમતિ પ્રાપ્ત થયા બાદ વનતારાની વિશેષ ટીમ તેના અધિકારીઓ સાથે કામગીરી શરૂ કરવા માટે તૈયાર છે.


  • Follow us on: