અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં 8માં ધોરણના વિદ્યાર્થીએ 10માં ધોરણના વિદ્યાર્થીને ચાકૂ મારીને કરેલી હત્યા બાદ મંગળવારે વાલીઓએ ભારે હોબાળો મચાવીને સ્કૂલમાં તોડફોડ પણ કરી હતી. આ મામલો હવે ગરમાયો છે અને આજે સેવન્થ ડે સ્કૂલ બહાર NSUIના કાર્યકરોએ પણ ભારે હોબાળો મચાવ્યો હતો


NSUI કાર્યકરોનો ઉગ્ર વિરોધ

આજે સ્કૂલની બહાર એકત્ર થયેલા NSUI કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતાં કાર્યકરો અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી પણ થઇ હતી. NSUI સાથે સ્થાનિકો અને વાલીઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. પોલીસે પ્રદર્શન કરનારા NSUI કાર્યકરોની અટકાયત કરી છે.

ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી

NSUI દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું અને મૃતક વિદ્યાર્થીને ન્યાય આપવાની માગ સાથે વિરોધ કરાયો હતો. સેવન્થ ડે સ્કૂલ બંધ કરવાની માગ સાથે વિરોધ થયો હતો અને સ્કૂલનો લોકોએ ઘેરાવ કર્યો હતો. વિદ્યાર્થીઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા તથા ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી આપી હતી.

શાળા સામે કડક પગલાં લેવા જોઈએ

પ્રદર્શનકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં સેવન્થ ડે સ્કૂલની ખૂબ મોટી બેદરકારી છેઃ અને શાળા સામે કડક પગલાં લેવા જોઈએ. પ્રદર્શનકર્તાઓએ કહ્યું કે શાળામાં વિદ્યાર્થીઓની સલામતી જોખમાઈ રહી છે

વિદ્યાર્થીઓએ પણ રોષ ઠાલવતાં પ્લે કાર્ડ સાથે વિરોધ કર્યો

આ સાથે શાળામાં ભણતા વિદ્યાર્થીઓએ પણ રોષ ઠાલવતાં પ્લે કાર્ડ સાથે વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ કહ્યું કે શાળામાં વારંવાર લડાઈઓ, મારામારી, બબાલ થાય છે. રોજ ફરિયાદ થાય છે સ્કૂલ કંઈ ધ્યાન નથી આપતી અને શાળા પગલાં નથી લેતી.વિદ્યાર્થીઓએ કહ્યું કે શાળા માત્ર એક દિવસ સસ્પેન્ડ કરે છે.

કાળા અને સફેદ કપડાં પહેરી વિરોધ

આજે શાળાની વિદ્યાર્થિનીઓએ કાળા કપડા પહેરી વિરોધ નોંધાવ્યો હતો જ્યારે વિદ્યાર્થીઓએ સફેદ કપડા પહેરી વિરોધ નોંધાવ્યો હતો. વાલીઓએ કહ્યું કે શાળામાં આવું બીજીવાર ન થાય તેની ખાતરી આપો. લાખો રૂપિયા ફી લઈને વિદ્યાર્થીઓને શું આપો છો તેવો સવાલ વાલીઓએ કર્યો હતો.  

  • Follow us on: