અમદાવાદમાં રક્ષાબંધન તહેવારની તૈયારીઓ પૂરજોશમાં છે. શહેરના વિવિધ વિસ્તારોમાં બજારમાં ખરીદી કરવા લોકો ઉમટી પડ્યા છે. દરમિયાન શહેરના ગીતા મંદિર ST સ્ટેન્ડ પર પણ લોકોની ભારે ભીડ જોવા મળી. એસ ટી સ્ટેન્ડમાં વતનની બસમાં બેસવા માટે મુસાફરો પડાપડી કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ગીતા મંદિર પર પેસેન્જરોની ભીડ
શહેરમાં રક્ષાબંધનના તહેવાર પર લોકો વતનની વાટ પકડી રહ્યા છે. ગીતા મંદિર ST સ્ટેન્ડ પર અમદાવાદથી બીજા શહેરમાં જવા લોકો પેસેન્જરનું કીડીયારું ઉભરાયું. ગીતા મંદિરથી ઉપડતી દાહોદ, ગોધરા, ઝાલોદ, સુરત, રાજકોટ ,બનાસકાંઠા અને સાબરકાંઠાની બસ પેસેન્જરથી બસ ખીચોખીચ ભરાઈ ગઈ. સપ્તાહના અંતમાં રક્ષાબંધન તહેવારની સાથે બીજા દિવસે રવિવાર છે. એટલે વધુને વધુ લોકો પોતાના વતન જઈ રહ્યા છે. એટલે જ રક્ષાબંધન નિમિતે એસટી વિભાગે 1200થી વધુ એક્સ્ટ્રા બસો દોડવાવનો નિર્ણય લીધો છે.
તંત્રની વ્યવસ્થા સામે રોષ
આજે ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પર હજારોની સંખ્યામાં પેસેન્જરોની ભીડ જોવા મળી. તંત્ર દ્વારા બસોની ફ્રિકવન્સી વધારવામાં આવી હોવા છતાં વતન જવા મુસાફરોએ કલાકો સુધી બસોની રાહ જોવી પડે છે. તંત્ર દ્વારા અપાતી સુવિધા સામે યોગ્ય અમલ અને વહીવટના અભાવે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પર પેસેન્જરોનું કીડીયારું ઉભરાયેલા દ્રશ્યો બતાવે છે કે સંસ્કૃત દિવસની ઉજવણી કરતી સરકાર અને સંસ્કૃતિનું જતન કરવાની ઇચ્છા રાખતી સરકાર કેમ પારંપરિક તહેવારની ઉજવણી કરવા લોકોની સુવિધા આપવામાં કેમ વ્યવસ્થાનો અભાવ છે.