અમદાવાદની સાબરમતી જેલમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે એક ક્રાંતિકારી પગલું લેવામાં આવ્યું છે. જેલમાં રહેલા અંદાજે 3,400 કેદીઓ પર હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી દ્વારા સતત નજર રાખવામાં આવશે. સંદેશ ન્યૂઝના સવાલોના જવાબમાં જેલ સુપરિન્ટેન્ડેન્ટે આ AI સિસ્ટમ વિશે વિગતવાર માહિતી આપી હતી. જેલમાં હાલમાં કાર્યરત 800 સીસીટીવી કેમેરામાં હવે AI ટેક્નોલોજીનું લેયર ઉમેરવામાં આવશે.
બેરેકમાં બનતી ઘટના અંગે AI જેલ સ્ટાફને નોટિફાય કરશે
બેરેકની અંદર અથવા જેલમાં બનતી કોઈપણ અસામાન્ય ગતિવિધિ હંગામો કે ઝપાઝપી જેવી ઘટના અંગે AI સિસ્ટમ દ્વારા તાત્કાલિક જેલ સ્ટાફને નોટિફાય કરવામાં આવશે. જેલ સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું કે AI ને અપનાવવાનો મુખ્ય હેતુ ઘટના વખતે રિસ્પોન્સ સમય ઘટાડવાનો છે. હાલમાં બેરેકની બહાર ઇમરજન્સી બટન સિસ્ટમ લાગેલી છે. જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે વોર્ડન આ ઇમરજન્સી બટન દબાવીને જેલ સ્ટાફને ઘટનાની જાણ કરે છે.













