અમદાવાદ સ્થિત જાણીતી નિરમા યુનિવર્સિટીમાં કરોડો રૂપિયાની ઉચાપતનો ગંભીર બનાવ સામે આવ્યો છે. યુનિવર્સિટીના એક કર્મચારી વિરુદ્ધ નાણાંકીય ગેરરીતિ અને ઉચાપતની ફરિયાદ નોંધવામાં આવી છે. આ કર્મચારી પર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવેલી ડિપોઝિટની રકમ પરત ન કરવાનો આરોપ છે. યુનિવર્સિટી દ્વારા ફરિયાદમાં જણાવ્યા મુજબ, કર્મચારીએ વિદ્યાર્થીઓને પરત કરવાના 5 કરોડ રૂપિયાની રકમની ઉચાપત કરી છે.


બે વર્ષમાં 5 કરોડનું ફુલેકું

ફરિયાદ અનુસાર, કર્મચારીએ આ ઉચાપતનો કારસો છેલ્લા 2 વર્ષના સમયગાળા દરમિયાન રચ્યો હતો. કર્મચારીએ આ સમય દરમિયાન તબક્કાવાર રીતે વિદ્યાર્થીઓની ડિપોઝિટના 5 કરોડ રૂપિયા પોતાના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોના બેંક ખાતામાં ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કર્યા હતા. આ સમગ્ર કૌભાંડમાં યુનિવર્સિટીના કર્મચારી પ્રકાશ રાઠોડ સહિત કુલ 7 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, જેઓ આ ઉચાપતમાં સીધી કે આડકતરી રીતે સંડોવાયેલા હોવાનું માનવામાં આવે છે.

સોલા પોલીસ દ્વારા તપાસ શરૂ

યુનિવર્સિટી તરફથી ફરિયાદ મળ્યા બાદ સોલા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. સોલા પોલીસે પ્રકાશ રાઠોડ સહીત 7 આરોપીઓ વિરુદ્ધ ગંભીર ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા હવે આ નાણાંકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે, જેમાં બેંક ખાતાઓનું વિશ્લેષણ કરીને ઉચાપત કરાયેલી રકમ ક્યાં અને કેવી રીતે વાપરવામાં આવી તેની વિગતો મેળવવામાં આવશે. આ કેસ યુનિવર્સિટીના નાણાંકીય વ્યવસ્થાપન પર ગંભીર સવાલો ઉભા કરે છે.



  • Follow us on: