અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે હવાનું પ્રદૂષણ વધતું જઈ રહ્યું છે. ત્યારે તેને સુધારવાની વાતો તો કરવામાં આવે છે પરંતુ બજેટનો ઉપયોગ અન્ય જગ્યા પર કરવામાં આવતો હોવાના આરોપ વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યા છે. AMCમાં સ્થિતિ એવી છે કે ઘરના છોકરા ઘંટી ચાટે અને પારકાને આંટો. ચાલુ વર્ષમાં 81 કરોડનું બજેટ મહાનગર પાલિકાએ એર ક્વોલિટી સુધારવા માટે મંજૂર કર્યું છે.
સરકારની ગાઈડ લાઈન મુજબ નગરપાલિકાને બજેટની ફાળવણી કરવામાં આવે છે: દેવાંગ દાણી
જે પૈકી સાણંદ, બાવળા, કલોલ નગરપાલિકા તો ગાંધીનગર મહાનગર પાલિકાને મળીને 18 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે તો 50 કરોડ રૂપિયા તો ફૂટપાથ બનાવવા વાપરવામાં આવ્યા છે. હવે સવાલ એ ઉઠાવાયો છે કે 1000 કરોડનું બજેટ રોડ માટે ફાળવવામાં આવે છે અને રોડ બને તે વોલ ટુ વોલ બનાવવા એ કોન્ટ્રાકટરની જવાબદારી છે, પરંતુ તેને બચાવવા બજેટ આ રીતે ઉપયોગ કરવામાં આવે છે તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ આક્ષેપને ફગાવતા કહ્યું હતું કે વિપક્ષ નેતા પાસે અધુરી માહિતી છે. એર ક્વોલિટી મામલે AMC નોડલ એજન્સી છે. નોડલ તરીકે બજેટ AMCને મળે, સરકારની ગાઈડ લાઈન મુજબ અમે જે તે નગરપાલિકાને બજેટની ફાળવણી કરવામાં આવે છે અને રોડ સાઈડમાં રહેલી ધૂળ ઉડે નહીં માટે ફૂટપાથ, ટ્રી પ્લાનેટેશન, ઈલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશન બનાવવા માટે બજેટ ફાળવેલું છે.













