અમદાવાદ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા વ્હાઈટ ટોપિંગ રોડની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. રાણીપ વિસ્તારના નવા બનેલા વ્હાઈટ ટોપિંગ રોડ પરથી કપચીનું પદ ઉખડી જતા AMC દ્વારા રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીને નોટિસ ફટકારવામાં આવી છે.


વિજય ઈન્ફ્રાકોન અને RKP પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીને નોટિસ

આ મામલે વિજય ઈન્ફ્રાકોન નામના કોન્ટ્રાક્ટર અને RKP પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીને AMC દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. આશરે 3.5 થી 4 કરોડના ખર્ચે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવે છે, અને રાણીપમાં 1200 મીટરનો આવો રોડ બનાવવાનું આયોજન હતું. રોડ બન્યાના ટૂંકા ગાળામાં જ કપચી ઉખડવાની ઘટના બનતા, કામની ગુણવત્તા સામે અનેક પ્રશ્નાર્થ સર્જાયા છે.

‘કોન્ટ્રાક્ટરને સ્વખર્ચે રોડનું સમારકામ કરવા સૂચના’ - રોડ કમિટી ચેરમેન

આ અંગે રોડ કમિટીના ચેરમેન જયેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, "રોડ બનાવવા માટે એક વર્ષની સમય મર્યાદા આપવામાં આવી હતી." તેમણે ઉમેર્યું કે, "કોન્ટ્રાક્ટરને પોતાના સ્વખર્ચે રોડનું સમારકામ કરવા સૂચના આપવામાં આવી છે." આ ઘટના દર્શાવે છે કે, AMC ના કરોડોના પ્રોજેક્ટ્સમાં પણ ગુણવત્તા જાળવવામાં ક્યાંક ચૂક રહી છે, જેના કારણે કરદાતાઓના પૈસાનો દુરુપયોગ થવાની શક્યતા રહે છે. શહેરના વિકાસના નામે થતા આવા કામોમાં ભવિષ્યમાં ગુણવત્તાની ખાતરી રહે અને આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર દ્વારા કડક દેખરેખ રાખવામાં આવે તે આવશ્યક છે.


  • Follow us on: