અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના પદાધિકારીઓની ટર્મ પૂર્ણ થતા આજે પદાધિકારીઓએ તેમને ફાળવાયેલા સરકારી વાહનો પરત જમા કરાવ્યા હતા. ટર્મ પૂર્ણ થતાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓએ પોતાના સરકારી વાહનો કોર્પોરેશનને સોંપી દીધા હતા.
દેવાંગ દાણી અન્ય કોર્પોરેટર સાથે ટુ વ્હીલર પર નીકળ્યા
આ દરમિયાન એક રસપ્રદ દ્રશ્ય પણ સામે આવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સરકારી વાહન જમા કરાવ્યા બાદ અન્ય કોર્પોરેટર સાથે ટુ-વ્હીલર પર ઘરે જતા જોવા મળ્યા. સરકારી વાહન પરત કર્યા બાદ તેઓ ટુ-વ્હીલર પર નીકળ્યા હતા, જેને લઈને લોકોમાં ચર્ચા પણ જોવા મળી હતી. જોકે, આ સમગ્ર ઘટનામાં એક મહત્વની બાબત એ પણ સામે આવી કે ટુ-વ્હીલર પર જતા સમયે દેવાંગ દાણી અને તેમની સાથે બેઠેલા અન્ય કોર્પોરેટરે હેલ્મેટ પહેર્યું નહોતું.













