અમદાવાદ મહાનગરપાલિકા (AMC) વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વો હવે એટલા બેફામ બન્યા છે કે તેમને કાયદા કે વ્યવસ્થાનો કોઈ ડર રહ્યો નથી. આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદના કુબેરનગર વોર્ડમાંથી સામે આવ્યો છે. અહીં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને રોડ પર જ આરસીસી (RCC) ધાબા ભરી દેવામાં આવ્યા છે. ગેરકાયદેસર બાંધકામ કરનારાઓએ તમામ હદો વટાવીને જાહેર રોડ અને સરકારી મિલકત પર કબ્જો જમાવી લીધો છે, જેને કારણે સ્થાનિક રહીશોમાં ભારે આશ્ચર્ય અને આક્રોશ જોવા મળી રહ્યો છે.
લાઈટના થાંભલાને જ બાંધકામની અંદર ચણી દેવાયો
આ ગેરકાયદેસર બાંધકામની સૌથી ગંભીર અને હાસ્યાસ્પદ બાબત એ છે કે, રસ્તા પર આવેલા વીજળીના (લાઈટના) થાંભલાને ખસેડવાને બદલે ભૂમાફિયાઓએ તેને આખેઆખો મકાનની અંદર જ ચણી દીધો છે! આ લાઈટનો થાંભલો હવે આરસીસી ધાબાની વચ્ચેથી પસાર થાય છે. આ પ્રકારનું જોખમી બાંધકામ ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે છે. શોર્ટ સર્કિટ કે કરંટ લાગવાને કારણે કોઈ મોટી દુર્ઘટના ઘટે તો તેનો જવાબદાર કોણ? આવા બેફામ બનેલા તત્વો સામે તાત્કાલિક કડક પગલાં લેવાવા જોઈએ તેવી લોક માંગ ઉઠી છે.













