રાજપીપળા સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને 7 વર્ષની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો છે. હવે ચૈતર વસાવાને વડોદરાની સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવશે. ચૈતર વસાવા હવે પાકા કામના કેદી બન્યાં છે. કોર્ટે સજા ફટકાર્યા બાદ ચૈતર વસાવા અને તેમના વકીલે નિવેદન આપ્યું હતું કે, તેઓ હવે આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારશે. આ કેસને લઈને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી અને સંયોજક અરવિંદ કેજરીવાલનું પણ નિવેદન સામે આવ્યું છે.
ગોપાલ ઈટાલિયાએ કહ્યું રાજકિય કિન્નાખોરી રાખવામાં આવી
સજા જાહેર થયા બાદ ચૈતર વસાવાએ કહ્યું હતું કે, આજે મને સાત વર્ષની જેલની સજા મળી છે. મને ન્યાય તંત્ર પર પૂરો ભરોસો છે. કોર્ટના ચુકાદાનો આદર કરીએ છીએ. હવે અમે ઉપલી કોર્ટમાં અપીલ કરીશું. તેમના વકીલ સુરેશ જોશીએ કહ્યું હતું કે, આ રાજકીય કિન્નાખોરી રાખીને ખોટી રીતે ઉભો કરેલો કેસ છે. આ કેસમાં હવે સજાનો ચુકાદો આવ્યો છે. હવે અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું.આ અંગે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, ચૈતર વસાવા આદિવાસી સમાજના પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે. તેમની સામે રાજકીય કિન્નાખોરી રાખવામાં આવી છે. તેમને રાજકીય રીતે નબળા પાડવા આ પ્રકારના કેસો કરાયા છે. અમારા પક્ષની લીગલ ટીમ સમગ્ર મામલાનો અભ્યાસ કરી રહી છે. હવે સુપ્રીમ કોર્ટ સુધી અમે આ ચુકાદા સામે લડીશું.













