ગુજરાતભરમાં રોજબરોજ રિક્ષામાં મુસાફરી કરતા લાખો મધ્યમવર્ગીય નાગરિકો માટે મોંઘવારીનો વધુ એક ડામ સામે આવ્યો છે. રાજ્ય સરકારે રિક્ષા ભાડામાં વધારો કરવાની દરખાસ્તને સત્તાવાર રીતે લીલી ઝંડી આપી દીધી છે. લાંબા સમયથી સીએનજી ગેસના ભાવ અને અન્ય ખર્ચાઓ વધવાને કારણે રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા ભાડા વધારાની માંગ કરવામાં આવી રહી હતી, જેને આખરે સરકારે સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી મળતાની સાથે જ રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા આજથી જ નવા ભાડાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.
મિનિમમ ભાડામાં રૂપિયા 5 નો વધારો
સરકાર દ્વારા મંજૂર કરાયેલા નવા દર પત્રક મુજબ, હવેથી રિક્ષાના મિનિમમ ભાડામાં રૂપિયા 5 નો વધારો ઝીંકવામાં આવ્યો છે. એટલે કે, અત્યાર સુધી જે મિનિમમ ભાડું રૂપિયા 20 હતું, તે હવે વધીને રૂપિયા 25 થઈ ગયું છે. મુસાફરે રિક્ષામાં બેસતાની સાથે જ હવે લઘુત્તમ 25 રૂપિયા ચૂકવવા પડશે.













