અમદાવાદના મેમનગર વિસ્તારમાં આજે એક મોટી વિમાસણ ઉભી કરતો અકસ્માત સામે આવ્યો છે. સામાન્ય રીતે સુરક્ષિત ગણાતા સ્પેશિયલ BRTS ટ્રેક પર બે BRTS બસો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. સ્પીડમાં આવી રહેલી બંને બસો સામસામે ધડાકાભેર અથડાતાં મોટો અવાજ થયો હતો, જેના કારણે આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.


સ્પીડ કોરિડોરમાં બે બસો વચ્ચે જોરદાર ટક્કર

આ ભયાનક અકસ્માતને કારણે બંને બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બસમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા બે મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઉપરાંત, સામસામેની જોરદાર ટક્કરને કારણે બંને બસના ડ્રાઈવરો પણ કેબિનમાં ફસાયા હતા અને તેમને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ બસના કાચ તોડીને ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતમાં ભોગ બનેલા બંને ઈજાગ્રસ્ત મુસાફરો અને બંને બસના ડ્રાઈવરોને પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વન-વે ટ્રેક પર આ અકસ્માત કઈ ભૂલના કારણે સર્જાયો, તે અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: