ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ હવે દેશનું નવું સ્પોર્ટ્સ હબ બની રહ્યું છે. અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાઈ રહેલી પ્રતિષ્ઠિત 'એશિયન વોલીબોલ કન્ફેડરેશન મેન્સ કપ' સ્પર્ધામાં એક અત્યંત રોમાંચક સાંજ જોવા મળી હતી. એશિયાભરની ટોચની વોલીબોલ પ્રતિભાઓને જુસ્સા, અપ્રતિમ શિસ્ત અને દૃઢ નિશ્ચય સાથે મેદાન પર સ્પર્ધા કરતી જોવી એ ખરેખર રમતપ્રેમીઓ માટે એક લહાવો હતો.
ટૂર્નામેન્ટમાં હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ અને રમતવીરોનો ઉત્સાહ
આ ભવ્ય સ્પોર્ટ્સ ઇવેન્ટમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ ખાસ હાજરી આપી હતી અને તમામ ટીમોનો જુસ્સો વધાર્યો હતો. રમતવીરોનું મનોબળ ઊંચું કરતાં DyCM હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદના વીર સાવરકર સ્ટેડિયમમાં એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપનું શાનદાર આયોજન થઈ રહ્યું છે. અમદાવાદ અને આસપાસના શહેરોમાંથી હજારોની સંખ્યામાં લોકો મેચ શરૂ થવાના એક-બે કલાક પહેલાં જ સ્ટેડિયમને હાઉસફુલ કરી દેતા હતા. રમતપ્રેમીઓનો આ અદ્ભુત પ્રતિસાદ ભારતના બદલાતા સ્પોર્ટ્સ લેન્ડસ્કેપની સાક્ષી પૂરે છે.
સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન તરીકે ઉભરી રહ્યું છે અમદાવાદ
નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતની મહેમાનગતિના વખાણ કરતા ઉમેર્યું કે, આજની આ ભીડ અને ઉત્સાહ દર્શાવે છે કે, ભારત અને ખાસ કરીને અમદાવાદ વૈશ્વિક કક્ષાની રમતગમત સ્પર્ધાઓ માટે એક ઉત્કૃષ્ટ વેન્યુ તરીકે ઉભરી આવ્યું છે. હું તમામ દેશોની ટીમોનું મનોબળ વધારવા અને ભારતીય તથા ગુજરાતી પરંપરા મુજબ ભવ્ય સ્વાગત કરવા બદલ ગુજરાતના તમામ નાગરિકોનો હૃદયપૂર્વક આભાર માનું છું.
સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાની કાંટાની ટક્કર: 'આજનો દિવસ આપણો નહોતો'
ટૂર્નામેન્ટમાં ભારતીય વોલીબોલ ટીમની સફર અત્યંત પ્રભાવશાળી રહી હતી. ભારતીય ટીમે લીગ સ્ટેજમાં એક પણ મેચ હાર્યા વગર શાનદાર પ્રદર્શન સાથે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જોકે, સેમિફાઇનલના અત્યંત રસાકસીભર્યા મુકાબલામાં ટીમ ઇન્ડિયાને ખૂબ જ નજીકના સ્કોરથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી
આ અંગે હર્ષ સંઘવીએ ભાવુક પણ આશાવાદી સુરમાં કહ્યું કે, આજે કદાચ આપણો દિવસ નહોતો, ખૂબ જ રસાકસીભરી ફિનિશિંગ બાદ આપણે મેચ ગુમાવી દીધી. તેમ છતાં, ટીમ ઇન્ડિયાએ અદભુત પ્રદર્શન કર્યું છે. ભલે આપણે છેલ્લા સેટમાં હારી ગયા, પરંતુ સેમિફાઇનલ સુધી પહોંચતા સુધીમાં આપણે એક પણ મેચ હાર્યા ન હતા. હું આપણી વોલીબોલ ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને આગામી વર્લ્ડ કપ માટે આનાથી પણ વધુ સારા પ્રદર્શનના લક્ષ્ય સાથે આપણે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરીશું. ટૂર્નામેન્ટને યાદગાર બનાવવા બદલ DyCM એ ભાગ લેનારી તમામ ટીમોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
આ પણ વાંચો - વાંચો 28 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે