અમદાવાદના બાપુનગર વિસ્તારમાં પોલીસે સમયસૂચકતા અને ત્વરિત કામગીરી દાખવીને એક યુવકને આત્મહત્યા કરતા પહેલાં જ બચાવી લીધો છે. એક યુવક પોતાના પરિવારમાં ચાલતા ઘરકંકાસથી અત્યંત કંટાળી ગયો હતો. આ યુવકે ઘરે એક સ્યૂસાઇડ નોટ લખી હતી અને જીવ ટૂંકાવવાના ઈરાદા સાથે ઘરેથી નીકળી ગયો હતો.પતિના ગયા બાદ પત્નીના હાથમાં આ ચિઠ્ઠી આવતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેણે તાત્કાલિક બાપુનગર પોલીસને જાણ કરી હતી. પત્નીની ફરિયાદ મળતા જ બાપુનગર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને યુવકને શોધવા માટે તાબડતોડ ચક્રો ગતિમાન કર્યા હતા.
યુવકના મોબાઇલ ફોનનું લોકેશન ટ્રેસ કર્યું
પોલીસે સૌપ્રથમ યુવકના મોબાઇલ ફોનનું લોકેશન ટ્રેસ કર્યું હતું.લોકેશન મેળવ્યા બાદ પોલીસે ટેકનોલોજી અને ફિલ્ડ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને,રિક્ષા પાછળ લાગેલા બેનરના આધારે યુવકની ચોક્કસ ઓળખ અને દિશા નક્કી કરી હતી. યુવક આપઘાત કરવા માટે કેનાલ તરફ આગળ વધી રહ્યો હતો, પરંતુ તે કેનાલ સુધી પહોંચીને કોઈ અઘટિત પગલું ભરે તે પહેલાં જ પોલીસે તેને રસ્તામાં જ આંતરીને પકડી પાડ્યો હતો.યુવકને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો, જ્યાં તે ભારે માનસિક આઘાતમાં જણાતો હતો.













